બેંગલુરુઃ ભારતની એક્સપોર્ટ ક્વોલિટી પ્રોડક્ટ્સમાં મળી આવેલું કેન્સર પેદા કરી શકતું રસાયણ ઇથિલીન ઓક્સાઇડ તાજેતરમાં જ સમાચારોમાં ચમક્યું હતું, પરંતુ તે એકમાત્ર એવું પ્રદૂષક તત્ત્વ નથી, જે યૂરોપિયન સંઘની તપાસના દાયરા હેઠળ આવ્યું હોય. યૂરોપિયન સંઘના વિવિધ દેશોએ વિવિધ અન્ય ઘાતકી પ્રદૂષકોને કારણે 400 કરતાં વધારે ભારતીય પ્રોડક્ટ્સ સામે લાલ ઝંડી બતાવી છે. આ પ્રોડક્ટ્સમાં સીસું, પારો અને કેડમિયમથી માંડીને પેસ્ટિસાઈડ્સ અને ફંગીસાઈડ્સ જેવાં તત્ત્વોનું પ્રમાણ નિર્ધારિત સ્તર કરતા વધારે જોવા મળ્યા હતા. ગયા મહિને જ અહેવાલો આવ્યા હતા કે ભારતની 257 પ્રોડક્ટ્સમાં ઈથિલીન ઓક્સાઈડ મળી આવ્યું હતું. યૂરોપિયન સંઘ દ્વારા લાલ ઝંડી બતાવવામાં આવેલી વધારાની 500 પ્રોડક્ટ્સનું વિશ્લેષણ કરાયા બાદ જાણવા મળ્યુ હતું કે, 2019થી 2024ની વચ્ચે ભારતની 400 કરતાં વધારે પ્રોડક્ટ્સને યૂરોપિયન સંઘ દ્વારા અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી. એટલું જ નહીં તે પૈકીની 276 પ્રોડક્ટ્સ માટે બોર્ડર રિજેક્શન નોટિસ ઇશ્યૂ કરાઈ હતી.
આયુર્વેદિક સપ્લિમેન્ટ્સથી માંડીને હળદરના પાવડર જેવી 14 ભારતીય પ્રોડક્ટ્સમાં ઝેરી ભારે ધાતુ લેડ મળ્યું હતું, તેના કારણે વ્યક્તિના મસ્તિષ્ક, કિડની અને ચેતાતંત્રને નુકસાન થઈ શકે છે. ભારતથી નિકાસ કરવામાં આવતી માછલી જેવી પ્રોડક્ટ્સમાં ઉચ્ચસ્તરે પારો મળી આવ્યો હતો.