આણંદ: આણંદ પાસે આવેલા નાવલી ગામમાં ભાજપ દ્વારા વોટ લેવાની લાલચમાં ચવાણું વહેંચવામાં આવ્યું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરાયા હતા. ઈન્દિરા નગરીમાં રહેતા ક્ષત્રિય સમાજના કેટલાક પરિવારોએ આજે ચવાણાના પેકેટો ફેંકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં પગલે આણંદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
ચૂંટણીના આગલા દિવસે આજે સોશિયલ મીડિયા પર આ અંગેનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં નાવલી ગામના ઇન્દિરા નગરીમાં રહેતા કેટલાક ક્ષત્રિય પરિવારના લોકો એકત્રિત થયા હતા અને ભાજપ દ્વારા ચવાણું વહેચવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. એકત્રિત થયેલા લોકોએ ભાજપ સામે રોષ ઠાલવીને ચવાણાના પેકેટ ફેંકીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમજ ભાજપ વિરોધી સૂત્રોચાર પણ કર્યો હતો. આમ આણંદ જિલ્લામાં કેટલીક જગ્યાએ ચૂંટણીના અંતિમ તબક્કા સુધી ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે.