વડોદરાઃ લોકસભા ચૂંટણી માટે વડોદરા આવેલા કોંગ્રેસના સિનિયર નેતા શશિ થરૂરે ઉમેદવારો અને કાર્યકરો દ્વારા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું એક કારણ કહેવામાં આવ્યું.
શશિ થરૂરે જણાવ્યું કે, કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર નથી તેનું એક કારણ એ છે કે પાર્ટી પાસે પૈસા નથી. થરૂર વડોદરામાં શનિવારે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા, ત્યારે તેમણે આમ જણાવ્યું હતું.
ભાજપના યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, યુસીસીના પક્ષમાં નહેરુ પણ હતા, પરંતુ ભાજપ તેમાં શું લાવવા માગે છે તેની જાહેરાત કરવી જોઈએ તેમજ તમામ લોકોને સાથે રાખી ચર્ચા કરવી જોઈએ.
શશિ થરૂરે જણાવ્યું હતું કે, વડોદરા આવવાનું એક કારણ કેન્દ્રમાં સરકાર બદલવી છે, કારણ કે કેન્દ્ર સરકાર તમામ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષને નુકસાન કરવામાં કરી રહી છે. લોકો ફોન પર વાત કરતાં પણ ગભરાઈ રહ્યા છે, કેમ કે સરકાર રેકોર્ડિંગ કરાવે છે. જેના કારણે મૂળભૂત અધિકાર પર તરાપ વાગી છે.
‘ભાજપ 200 બેઠક પણ પાર નહીં કરી શકે’
થરૂરે કહ્યું કે, આ વખતે ભાજપ 300 પાર પણ નહીં કરી શકે. હું તો કહું છું કે 200 પાર થશે કે નહી તે શંકા છે. અમે 26 નહીં જીતી શકીએ એવું ભલે તેમણે માની લીધું, પણ શૂન્ય પણ નહીં હોય, કેટલીક સીટો આવશે. ઇન્ડિયા ગઠબંધન એનડીએથી વધારે સીટ લાવશે.