અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો હોય તે મુદ્દો એ છે, ક્ષત્રિયોની નારાજગી ભાજપને ભારે પડશે? ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ મતદાન થયું હશે તો પરિણામ પર અસર થઈ શકે તેમ છે. આ જોતાં ભાજપ ચિંતામાં છે. આ ઉપરાંત ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ માટે ફાયદારૂપ સાબિત થઈ હતી, કેમ કે કોંગ્રેસના મતોમાં વિભાજન કરાવવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ વખતે આપ-કોંગ્રેસે હાથ મિલાવ્યો છે, જેથી ગુજરાતનાં રાજકીય સમીકરણો બદલાશે કે નહીં તે પણ જોવું રહ્યું. સાથેસાથે કડવા-લેઉવા મતદારો ભાજપ તરફી મતદાન કર્યું કે પછી મતોમાં ભાગલા પડશે તેના પર નજર મંડાઈ છે.
મંગળવારે લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થયું છે. હાલ ચોરેને ચૌટે એક જ સવાલ છે કે, ક્ષત્રિયો મહિલા અપમાનનો બદલો લઈ ભાજપને કેટલું નુકસાન પહોંચાડશે. આ વખતે ઉમેદવારના પક્ષ, પ્રતિષ્ઠાની સાથેસાથે જ્ઞાતિનું પરિબળ વધુ અસરકારક બની શકે તેવી સ્થિતિ છે. ખાસ કરીને રૂપાલાએ ટિપ્પણી કર્યા બાદ ક્ષત્રિયો ભારે રોષે ભરાયા છે. ભાજપના અથાગ પ્રયાસો છતાં ક્ષત્રિયો મક્કમ રહ્યા છે. કોઈપણ ભોગે ક્ષત્રિયો રાજકીય બદલો લેવાના મૂડમાં છે.