માંડવીઃ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્યનો શનિવારે ચૈત્ર વદ અગિયારસે 601મો પ્રાગટ્ય દિવસ ઊજવાયો. જે નિમિત્તે ભક્તોને કૃષ્ણભક્તિ માટે ભૂતકાળમાં સ્થપાયેલી હવેલીઓની ખોટ સાલી હતી. ઉલ્લેખનીય છે કે તેમના શિષ્યો દ્વારા કૃષ્ણભક્તિ માટે ભારતભરમાં હવેલીઓની સ્થાપના કરાઈ હતી. માંડવીમાં 7 હવેલી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો દ્વારા ધમધમતી હતી.
જો કે સમય બદલાતાં કૃષ્ણમૂર્તિઓ અન્ય જગ્યાએ લઈ જવાતાં હવે મૂર્તિ વગરની હવેલીઓ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. બાલકૃષ્ણ હવેલી, મદન મોહન હવેલી, લાલમણી હવેલી, અનિરુદ્ધ લાલજી હવેલી, પન્નાલાલ હવેલી, દામોદર આણંદજીની હવેલી, શ્રીનાથજી હવેલી (ઢુંયા ઉપર) સહિતની 7 હવેલીમાં બિરાજમાન કૃષ્ણમૂર્તિઓ 1945 થી 2018ની સાલ સુધીમાં અન્ય ગામો અને રાજ્યોની હવેલીમાં લઈ જવાતાં ભગવાન વગરની હવેલીઓ ખંડેર બનવાની સાથે અમુક પૂજારીઓ પગારથી વંચિત રહેતા હોવાનું દુઃખ ચંદ્રશેખર જોશીએ વ્યક્ત કર્યું હતું.