નવી દિલ્હીઃ એક્સાઇઝ નીતિના કથિત કૌભાંડમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ ખાલિસ્તાની સંગઠન પાસેથી ફંડ લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સાથે જ આ મામલે એનઆઇએ દ્વારા તપાસ કરવા માટે ભલામણ પણ કરી છે. કેજરીવાલ સામે આ ફરિયાદ વર્લ્ડ હિન્દુ ફેડરેશન નામની સંસ્થાના એક સભ્ય દ્વારા કરાઈ હતી, જેના આધારે ઉપરાજ્યપાલે કેજરીવાલ સામે કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવાની ભલામણ કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવને કરાયેલી ભલામણમાં ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલ પર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ પાસેથી ફંડ લેવાની ફરિયાદ મળી હતી, જે અંગે ફરિયાદીએ પુરાવા પણ આપ્યા છે, તેથી તેની ફોરેન્સિક તપાસ થવી જોઈએ. સાથે જ પત્ર પણ મોકલ્યો છે, આ પત્ર અરવિંદ કેજરીવાલે જાન્યુઆરી 2014માં ઇકબાલ સિંઘને લખ્યો હતો, જેમાં તેઓએ ઇકબાલ સિંઘને કહ્યું હતું કે, દિલ્હીની આપ સરકારે ભુલ્લારને છોડવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરી છે. સાથે જ ખાલિસ્તાની આતંકી પન્નુને જાહેર કરેલો વીડિયો તપાસમાં સામેલ કર્યો હતો, જેમાં પન્નુએ દાવો કર્યો હતો કે ખાલિસ્તાની સંગઠન પાસેથી આપ સરકારે 2014થી 2022 દરમિયાન આશરે દોઢ કરોડ રૂપિયા લીધા હતા.