આણંદ: કેનેડામાં રહેતા આણંદ જિલ્લાના ઓડ ગામના યુવકનું આકસ્મિક અવસાન થતાં તેના પરિવારે તેનો મૃતદેહ ભારત લાવી કરમસદની મેડિકલ કોલેજને રિસર્ચ માટે સમર્પિત કર્યો હતો.
આણંદના ઓડ ગામના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા અને ઇસરોમાં ઈલેક્ટ્રિકલ સર્કિટ, ગોલ્ડ પ્લેટિંગ સપ્લાયનું કામ કરતા પ્રકાશભાઈ પટેલનો પુત્ર પ્રજેશ (ઉ.વ ૩૯) તેના પરિવાર સાથે કેનેડામાં બેકરીની દુકાન ચલાવતો હતો. ગત રવિવારે 21 એપ્રિલે પ્રજેશને ઝાડા -ઊલટી થતાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. થોડા કલાકોની સારવાર પછી તેનું બ્લડ પ્રેશર તેમજ ઓક્સિજન લેવલ ઓછું થતાં તેનું મૃત્યુ થયું હતું. અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કરતા ડોનેટ લાઇફના ટ્રસ્ટી પ્રકાશભાઈએ એક પળનો પણ વિલંબ કર્યા વગર જણાવ્યું કે તેમના પુત્ર પ્રજેશની આંખોનું દાન કરાવીને બીજી વ્યક્તિને રોશની આપો, પરંતુ હોસ્પિટલમાં આંખનું દાન થઈ શક્યું ન હતું.
સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એમ્બાલ્બીંગની રાસાયણિક પ્રક્રિયા કરીને મોર્ગમાં મૂકવામાં આવ્યો હતો અને એર ઇન્ડિયાના વિમાન મારફત ટોરેન્ટો થી દિલ્હી અને દિલ્હી થી અમદાવાદ લાવી ઓડ ગામે લઈ જવાયો હતો.
સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને સમયસર દિલ્હીથી અમદાવાદ એર ઈન્ડિયાના વિમાન મારફત સમયસર પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને આણંદના સાંસદ મિતેશભાઇ પટેલનો સહકાર સાંપડ્યો હતો. આ દુ:ખની ઘડીમાં સ્વ. પ્રજેશનાં ધર્મપત્ની સેજલ, પિતા પ્રકાશભાઈ, માતા આરતીબહેન સહિતના પરિવારે પ્રજેશના અંતિમ સંસ્કાર કરવાને બદલે મેડિકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા માટે દેહનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. દેહદાનનો નિર્ણય થતાં જી.જે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ, સીવીએમ યુનિવર્સિટી ન્યૂ વલ્લભ વિદ્યાનગરના ડીન ડો.સી.એસ.બાબરિયાનો સંપર્ક કરાયો અને તેઓએ સ્વ. પ્રજેશના દેહનું દાન સ્વીકાર્યું હતું.