ગાંધીજીમાં તો હજુ લુચ્ચાઈ હતી, રાહુલ દેશના બીજા સાચા ગાંધી છેઃ ઈન્દ્રનીલ રાજ્યગુરુ

Wednesday 08th May 2024 07:01 EDT
 
 

રાજકોટઃ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં તેમજ સભાઓમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓમાં જાણે બફાટ કે વિવાદાસ્પદ નિવેદનોની સ્પર્ધા જામી હોય તેવું ચિત્ર ઊપસ્યું છે. રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ એક સભામાં “ગાંધીજીમાં તો હજુ લુચ્ચાઈ હતી, રાહુલ ગાંધી દેશના બીજા સાચા ગાંધી છે” આવું કહેતાં વિવાદ સર્જાયો છે. નોંધનીય છે કે, રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ એવું કહ્યું કે મને ખાતરી છે કે દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી જ હશે.
તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી એક સચ્ચાઇના રસ્તે ચાલતા નેતા છે. ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ પણ હતી, પરંતુ રાહુલ ગાંધી સંપૂર્ણ નિખાલસ અને સાચો છે. અણિશુદ્ધ છે. તેને પપ્પુ ઠેરવવા પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરાયો હતો.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સભામાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી 542 બેઠકનો બફાટ કરે તે સમજી શકાય તેમ છે, પરંતુ રાહુલ ગાંધી પક્ષની 140 બેઠક ધારે છે. આથી આ વાતમાં તથ્ય દેખાઈ રહ્યું છે. 140 બેઠકમાં પણ રાજકોટની બેઠક કોંગ્રેસના ફાળે જશે તેવો રાહુલ ગાંધીને અને અમને વિશ્વાસ છે.
‘મારા શબ્દો નથી’
ગાંધીજી વિશેના વિવાદાસ્પદ નિવેદનો બાદ ઈન્દ્રનીલ રાજયગુરુએ પત્રકારો સમક્ષ કહ્યું કે, મેં જે વાત કરી છે તે ઇતિહાસમાં લખાયેલી વાત છે મારા શબ્દો નથી. અંગ્રેજો સામે દૃઢતાથી, નિડરતાથી, સત્યાગ્રહથી ગાંધીજી લડ્યા હતા. આજે અંગ્રેજોની જેમ ભાગ પાડો અને રાજ કરોની નીતિ સાથે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લોકશાહીને ખતમ કરવાની વાત થઈ રહી છે, ત્યારે તેની સામે રાહુલ ગાંધી ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યા છે. આવતા દિવસોમાં લોકો રાહુલ ગાંધીમાં ગાંધીજીને જોશે.


comments powered by Disqus