• લોકસભાની 25 બેઠક પર 266 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યા છે. વિપક્ષના ધારાસભ્યોવાળી સાતેય બેઠક પર મતદાનની ટકાવારી ઊંચી રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ બેઠક પર મતદાન નિરસ રહ્યું છે.
• કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગાંધીનગરમાં સે.19ના સેન્ટરમાં પોલિંગ એજન્ટ પાસે કમળના ચિન્હવાળી પેન જોઈ ચૂંટણીપંચ સામે સવાલ ઊઠાવ્યા. આ સિવાય વાસણ ગામમાં મતદાન અટકાવ્યાનો આરોપ પણ લગાવ્યો
• દાતાના ઘરેડા ગામના મતદાન કેન્દ્ર પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે સીઆરપીએફના નકલી અધિકારીને ઝડપ્યો. પ્રકાશ ચૌધરી નામનો આ યુવક ભાજપ તરફી મતદાન કરાવતો હોવાનો આક્ષેપ થયો છે.
• અમદાવાદના શાહપુરની ખજૂરીની પોળના 20 મતદારોને મતદારયાદીમાં જીવતાં જ મૃત જાહેર કરાયા. ચૂંટણીપંચની ભૂલના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આ તમામ પાસે વોટરકાર્ડ છે અને વિધાનસભા ચૂંટણીમાં મતદાન પણ કર્યું છે.
• જામનગરમાં ધ્રોલના વાગુદડ ખાતે સવારે 11 વાગ્યા સુધી ગ્રામજનોએ વોટિંગનો બહિષ્કાર કર્યો, પરંતુ બપોરે અચાનક અન્ય સમાજ, ક્ષત્રિય સમાજ સહિત આખું ગામ વોટિંગ કરવા પહોંચી ગયું હતું.
• અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારી કૌશિકાબહેનનું મોત થયું. ફરજ દરમિયાન તેઓ ઢળી પડતાં તેમને રાજુલા ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
• રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. તેમને ન્યૂમોનિયાની તકલીફ છે. પરિવાર સાથે મતદાન કરી પરત આવતાં અચાનક તેમની તબિયત બગડી હતી, જ્યાર બાદ તેમને સારવાર માટે આટકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
• ભરૂચના કેસર ગામે કીમ નદી પર પુલ ન બનતાં અને પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો. અગાઉ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીના મતદાનનો પણ બહિષ્કાર કરાયો હતો.
• નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલની સામે ચૂંટણી લડતા કોંગ્રેસના નૈષધભાઈ દેસાઈ ગાંધીવેશ ધારણ કરીને મતદાન કરવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરવાના દિવસથી નૈષધ દેસાઈ ગાંધીવેશે પ્રચાર કરી રહ્યા છે.
• ભુજમાં પોલીસ અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બૂથ બહાર મોબાઇલ રાખવાની સુવિધા ન હોવાથી લોકોએ રોષ વ્યક્ત કર્યો. આ અંગેના ઘર્ષણ દરમિયાન સ્થાનિકોએ રોષે ભરાઈને કહ્યું હતું કે અમે કંઈ પાકિસ્તાનથી નથી આવ્યા.
• પાદરાના મોભા ગામે કનુભાઈ ભાવસારના ધર્મ પત્ની સરોજબહેનનું 35 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ઘરમાં શોકનો માહોલ હોવા છતાં અગ્નિસંસ્કાર પહેલાં કનુ ભાવસારે પોતાની બે પુત્રી સાથે મતદાન કરી મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.
• વડોદરાના સલાટવાડામાં મહારાણી ચીમનાબાઈ હાઇસ્કૂલ ખાતે પ્રિસાઈડિંગ ઓફિસર સહિતના 40 જેટલા પોલિંગ સ્ટાફને ફરજના 2 દિવસથી જમવાનું મળ્યું ન હોવાની ફરિયાદ મળી. આ અંગે પ્રિસાઈડિંગ ઓફિસર ચૂંટણી અધિકારીને રજૂઆત કરશે.
• વડોદરા ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે 7 વાગે દીપક શાસ્ત્રી નામના મતદારે હનુમાન દાદાની વેશભૂષા કરીને મતદાન કરવા આવતા લોકોમાં આકર્ષણ સર્જાયું હતું, દીપકે મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો.
• રાજ્યભરમાં નવા નોંધાયેલા વોટર્સ ભારે ઉત્સાહમાં દેખાયા હતા. યુવા મતદારોએ જણાવ્યું કે, ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ. આ સાથે ફર્સ્ટ ટાઇમ વોટર્સે વોટિંગ માર્કિંગ સાથે પોતાની સેલ્ફી મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી.