ભુજઃ હાલ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પગલે કચ્છ અને ભારતભરના શિપિંગ ઉદ્યોગને વ્યાપક ફટકો પડ્યો છે. તેવામાં કચ્છની સાથે ભારતીય માલસામાનની આયાત-નિકાસને વેગ મળે તથા યુદ્ધ અને અશાંતિ ધરાવતા રાતા સમુદ્રને બાયપાસ કરવા ભારત અને ઓમાન આગામી મહિનાઓમાં વેપાર સોદા પર હસ્તાક્ષર કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
હાલ બંને પોર્ટ અને અહીંના સેઝમાંથી ઓમાન સાથે અંદાજે 1200 મિલિયન ડોલરથી વધારે વેપાર થાય છે. સમજૂતી થતાં આ વેપાર બેથી ત્રણ ગણો વધવાની સંભાવના છે. ભારત હાલ મધ્ય-પૂર્વમાં તેના સંબંધોને વિસ્તારવા માગે છે. હાલ રાતા સમુદ્રમાં અશાંતિ અને ઇઝરાયલ-ગાઝા તથા ઇઝરાયલ- ઈરાન તણાવને કારણે શિપિંગ માર્ગો પર જોખમ આવી ગયું છે. તેવામાં હવે ઓમાન સાથે વેપાર સોદાના લીધે ભારતને વ્યૂહાત્મક ભાગીદાર દેશની સાથે અસ્થિર પ્રદેશને બાયપાસ કરી મુખ્ય વેપાર માર્ગો સુધી પહોંચવામાં મદદ મળશે. ઓમાનથી પશ્ચિમી એશિયા સુધી ભારત પોતાનો માલ મોકલાવી શકશે. હાલ ભારત અને ઓમાનનો વેપાર વાર્ષિક 13 બિલિયન ડોલરથી ઓછો છે, પરંતુ આ કરારથી વેપાર વધશે.
ઓમાનથી સૌથી નજીકનાં બંદરો કચ્છના કંડલા અને મુન્દ્રા છે. વર્ષ 2023માં આ બંને બંદરો અને સેઝ મારફતે 1275 મિલિયન ડોલરનો વેપાર થયો હતો. ઓમાન કૃષિ ઉત્પાદનો, જેમ્સ અને જ્વેલરી, ચામડું, ઓટોમોબાઇલ, તબીબી ઉપકરણો, એન્જિનિયરિંગ ઉત્પાદનો અને કાપડ સહિત વાર્ષિક 3 બિલિયન ડોલરની ભારતીય નિકાસ પરની ડ્યુટી દૂર કરવા સંમત થયું છે. ભારત ઓમાનના કેટલાક પેટ્રોકેમિકલ્સ, એલ્યુમિનિયમ અને કોપર પરની ડ્યૂટી ઘટાડવા સંમત થયું છે.
કેટલી આયાત-નિકાસ?
કંડલાથી ઓમાન સાથે કુલ 558 મિલિયન ડોલરની આયાત-નિકાસ થાય છે. જેમ 2023માં નિકાસ 16.32 મિલિયન ડોલર અને આયાત 5 15 મિલિયન ડોલરની થઈ હતી. કંડલા સેઝમાં પણ 22.64 મિલિયન ડોલરની આયાત થઈ હતી. જો કે અહીંથી નિકાસ નોંધપાત્ર થતી નથી. કંડલાથી નિકાસ મુખ્ય બાસમતી ચોખા કરાય છે, જ્યારે આયાતમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, રસાયણો, કોલસા મુખ્ય છે. તો મુન્દ્રાથી 2023માં 219 મિલિયન ડોલરની નિકાસ અને 423 મિલિયન ડોલરની આયાત થઈ છે. જેમાં બાસમતી ચોખા, સિરામિક સામગ્રી, આયર્ન અને સ્ટીલ, ચોખા, ફેબ્રિક, કાર, કોટન અને દિવેલા ઓમાન મોકલાવાય છે. જ્યારે ખાતર, પેટ્રોલિયમ-ફૂડ, કોલસો, પ્લાસ્ટિકની કાચી સામગ્રી આયાત કરાય છે. ઓમાન સાથેના આપણા વેપારી સંબંધો હડપ્પીય કાળથી ચાલતા આવે છે.