પોરબંદર: લોહાણા મહાજનમાં ચાર દાયકાથી ચૂંટણી થતી ન હોવાથી બંધારણના નિયમોનો ભંગ થતો હોવાની રજૂઆત સાથેનો આક્ષેપ ચેમ્બર પ્રમુખે ચેરિટી કમિશનરની કોર્ટમાં કર્યો હતો. જે મામલે ચેરિટી કમિશનરે 3 માસમાં તટસ્થ ચૂંટણી કરવા આદેશ આપ્યો છે.
પોરબંદર લોહાણા મહાજનમાં છેલ્લાં 14 વર્ષથી પ્રમુખ તરીકે સંજયભાઈ કારિયા તથા તેની ટીમ કામગીરી કરી રહી છે. લોહાણા મહાજનના બંધારણ મુજબ દર 5 વર્ષે ચૂંટણી કરવાની થતી હોય છે, પરંતુ ચાર દાયકાથી લોહાણા મહાજનના અગાઉના પ્રમુખ અને હાલના પ્રમુખ તેમજ તેની ટીમ આ બંધારણની અવગણના કરી ચૂંટણી કર્યા વગર જ ફરજ બજાવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જે અંતર્ગત 25 વર્ષ સુધી મહાજનના પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખ સંજયભાઈના પિતા વજુભાઈએ ફરજ બજાવી હતી. ત્યારબાદ 14 વર્ષથી સંજયભાઈ ફરજ બજાવી રહ્યા છે. આમ લોહાણા મહાજનમાં ચાર દાયકાથી ચૂંટણી થઈ ન હોવાની રજૂઆત કરાઈ છે. આથી ચૂંટણી યોજવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારીઆએ કાયદાકીય લડત આપી ચેરિટી કમિશનરની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
જોઇન્ટ કમિશનર પંડ્યાએ જિજ્ઞેશભાઈની રજૂઆત ધ્યાને રાખી બંધારણની જોગવાઈ પ્રમાણે સામાન્ય સભ્યોની નોંધણીની કાર્યવાહી શરૂ કરી તબક્કાવાર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી કરવા અને વ્યવસ્થાપક સમિતિમાંથી ટ્રસ્ટી મંડળની ચૂંટણી કરવા માટે અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણીની કાર્યવાહી 3 માસમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.