ફોરેસ્ટ બાથિંગઃ સ્ટ્રેસ ઘટાડે, માનસિક શાંતિ બક્ષે

Wednesday 08th May 2024 06:49 EDT
 
 

નવી દિલ્હી: પૂણેસ્થિત એક કંપની તેના અનોખા અભિયાનને કારણે દેશભરમાં જાણીતી બની રહી છે. ટ્રોવ એક્સપિરિયન્સ લોકોને પ્રકૃતિ ને વૃક્ષો સાથે જોડવા દેશનાં અલગ-અલગ શહેરોમાં ઈવેન્ટ યોજી રહી છે. તાજેતરમાં કંપનીએ બેંગલૂરુ ખાતે ઇવેન્ટ યોજીને ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે લોકોને પ્રકૃતિ સાથે જોડવા ઈચ્છે છે. આ જાહેરાતને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હતો. કુદરતના ખોળે યોજાતા આ ઈવેન્ટમાં લોકો વૃક્ષોને ભેટે છે અને માનસિક શાંતિ પામે છે.
જોકે કેટલાક તકસાધુએ આ ઇવેન્ટના નામે રોકડીનો ધંધો શરૂ કર્યો છે. તાજેતરમાં દિલ્હીના સંજય વનમાં યોજાયેલા આવા જ ઇવેન્ટમાં જોડાવા માટે 1500 રૂપિયા ફી રખાતા લોકોએ તેની આકરી ટીકા કરી હતી. ઘણા યુઝર્સે લખ્યું કે માર્કેટમાં કમાણીની નવી સ્કીમ આવી છે. જોકે મૂળ વાત એ છે કે વૃક્ષને આલિંગન કરીને થોડોક સમય ઉભો રહેવાથી વ્યક્તિનો તણાવ ઘટે છે અને તે માનસિક શાંતિનો અનુભવ કરે છે.
ફોરેસ્ટ બાથિંગ જાપાનની પરંપરા
ભારત કે વિશ્વના અન્ય દેશોમાં ભલે આ ટ્રેન્ડ નવો હોય, પરંતુ જાપાન માટે આ વાત નવી નથી. ફોરેસ્ટ બાથિંગ જાપાનની એક પરંપરા છે, જ્યાં લોકો તણાવ દૂર કરવા માટે જંગલોમાં સમય વિતાવે છે. આ સમય દરમિયાન લોકો પોતાની સંવેદનાઓ જેવી કે જોવું, સાંભળવું, સ્વાદ, ગંધ અને સ્પર્શ પ્રકૃતિ સાથે જોડે છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર આ કાર્યક્રમ વિશે જણાવ્યું છે કે આ ઈવેન્ટ દરમિયાન જંગલની મુલાકાત લેવામાં આવે છે. સહભાગીઓ વૃક્ષોને સ્પર્શ કરીને શાંતિ અનુભવે છે. આ સાથે શેરિંગ અને લિસનિંગ રાઉન્ડનું પણ આયોજન કરાયું છે. લોકોને પર્યાવરણને લગતી બાબતો પણ શીખવાય છે.
ફિનલેન્ડમાં તો વર્લ્ડ ટ્રી હગિંગ ચેમ્પિયનશિપનું પણ આયોજન કરવામાં આવે છે. આ ચેમ્પિયનશિપમાં સ્પર્ધકો વિવિધ રીતે વૃક્ષોને આલિંગન કરે છે. આમાંથી સૌથી અનન્ય રીતે વૃક્ષને ભેટનાર વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવે છે. ઘણાં સંશોધન અહેવાલો દર્શાવે છે કે દરરોજ ઝાડને ગળે લગાડવાથી તણાવ ઓછો થાય છે અને ખુશી અને સકારાત્મક્તા વધે છે.


    comments powered by Disqus