મહેસાણાઃ ગુજરાતમાં મતદાન પહેલાં શનિવારે મહેસાણાના જિલ્લા કલેક્ટર એમ. નાગરાજન દ્વારા સોશિયલ મીડિયામાં મતદાન જાગૃતિનો રેપ સોંગનો વીડિયો અપલોડ કરાયો છે. ‘આવો... આવો... આવો... મેહોણાવાળા આવો... તારીખ આવી નજીક મતદાન કરવા આવો...’ આ રેપ સોંગને કલાકોમાં જ લાખો લોકોએ જોયું હતું. આ રેપ સોંગમાં કલેક્ટર એમ. નાગરાજન, ડીડીઓ જૈસ્મિન હસરત અને ડે. કલેક્ટર સુભાષ સાવલિયા સહિત 200 અધિકારી-કર્મચારીઓએ પ્રથમ વખત રેપ ડાન્સ કર્યો છે.કલેક્ટર દ્વારા પ્રપોઝલ બાદ બે કલાકમાં રેપ સોંગ બનાવ્યું હતું. 2 મિનિટ 7 સેકન્ડના વીડિયોનું શૂટિંગ શુક્રવાર સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. માત્ર 7 કલાકમાં ડાન્સના સ્ટેપ શીખવવાની સાથે વીડિયોગ્રાફી પણ કરી હતી.