રાજકોટઃ ડિહાઇડ્રેશન ઉત્પાદનમાં ભારતભરમાં મોનોપોલી ધરાવતા મહુવાનાં યુનિટો એપ્રિલ માસના અંતે પણ ધમધમી રહ્યાં છે. સામાન્ય વર્ષોમાં આ ગાળામાં સિઝન પૂરી થતી હોય છે, પરંતુ આ વખતે હજુ પંદર-વીસ દિવસ સુધી સક્રિય ઉત્પાદન થાય એમ છે. સફેદ ડુંગળીની સિઝન થોડી લાંબી ચાલતાં કિબલ અને પાઉડરનું ઉત્પાદન વધશે અને કોલ્ડમાં પણ વધુ જથ્થો રહે તેવી ધારણા છે.
ડિહાઇડ્રેશન ઉદ્યોગના અગ્રણી વિઠ્ઠલભાઈ કોરડિયા કહે છે કે, સફેદ ડુંગળીની આવક એપ્રિલના અંતે હળવી થઈ જાય એમ જણાતું હતું પણ આવકનો પ્રવાહ હજુ સારો છે. મહુવા પંથકમાં આવેલા 125 જેટલાં કારખાનાંને હજુ છૂટથી ડુંગળી મળે છે.
કારખાનાંને કાચો માલ મણે રૂ. 250-290ના ભાવથી મળી રહ્યો છે. ડિહાઇડ્રેશનના કારખાનાં વધારે સમય ચાલે એટલે ઉત્પાદન પણ વધીને આશરે 80-85 હજાર ટન થઈ જવાનો અંદાજ મુકાવા લાગ્યો છે.
મહુવા ભારતમાં માર્કેટ લીડર
મહુવામાં ડિહાઇડ્રેશન કરેલી ડુંગળીના કિબલનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. ઇન્સ્ટન્ટ ફૂડ બનાવતી કંપનીઓ ઉપરાંત અથાણાં, કેરી, સોસ, દવાઓ બનાવામાં તથા સૂપ અને સલાડ જેવી અસંખ્ય વાનગીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં મહુવા આ માર્કેટમાં લીડર છે. જો કે દુનિયામાં ચીન અને ઇજિપ્ત ભારતના હરીફ છે. ડુંગળીની માફક સૌરાષ્ટ્રમાં લસણનું પણ ડિહાઇડ્રેશન થાય છે.