અમદાવાદઃ 2001માં સહકારી ક્ષેત્રની ધ માધવપુરા મર્કન્ટાઇલ કો.ઓ.બેન્કના રૂ.1030 કરોડના કૌભાંડમાં 23 વર્ષ પછી કેતન પારેખ, તત્કાલીન એમ.ડી. દેવેન્દ્ર પંડ્યા અને તેમના ભાઈ જગદીશ સામે સીબીઆઇ કોર્ટમાં આરોપનામું દાખલ થયું છે. કોર્ટમાં આરોપીઓએ ગુનો ન કબૂલતાં સીબીઆઇ કોર્ટના ખાસ જજ એન.એન. પાથરે ત્રણેય વિરુદ્ધ આઇપીસીની કલમ 120 બી, 409 અને 420 હેઠળ આરોપમાનું ઘડવા આદેશ કર્યો છે.
માધવપુરા કો.ઓ. બેન્કના એમ.ડી. દેવેન્દ્ર પંડ્યા, ચેરમેન રમેશ પરીખ અને જગદીશ પંડ્યા સહિતના આરોપીએ રિઝર્વ બેન્કના નિયમો નેવે મૂકી જામીનગીરી વગર શેર દલાલ કેતન પારેખ અને તેના મળતિયાને 19 બેન્ક ખાતામાં રૂ. 1030 કરોડની લોન આપી હતી. કેતન પારેખે લોન ન ભરતાં બેન્ક ફડચામાં ગઈ હતી. આ કૌભાંડને કારણે અંદાજે 50 હજાર થાપણદારોના રૂ. 1 હજાર કરોડથી વધુ ડૂબ્યા હતા.