મુદ્દા ભૂલી કોંગ્રેસ-ભાજપે છેડી દીધી માન-અપમાનની લડાઈ

Wednesday 08th May 2024 05:48 EDT
 
 

અમદાવાદઃ આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ચૂંટણી મુદ્દાઓ મતદારોને વધારે પ્રભાવિત કરી શક્યા નથી. પહેલીવાર એવું જોવા મળ્યું કે, એક સમાજને સાચવવાની લ્હાયમાં બીજા સમાજને નીચો દેખાડવા પ્રયાસ કરાયા હતા, જેના કારણે રૂપાલાથી માંડીને કનુ દેસાઈ, ભૂપત ભાયાણીએ અણછાજતા શબ્દપ્રયોગ કરી વાણીવિલાસ કર્યો છે. આખી ચૂંટણીમાં પ્રજાના મૂળભૂત પ્રશ્નો તો જાણે ભુલાઈ જ ગયા હતા. લોકસભાની ચૂંટણી જાણે માત્રને માત્ર પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની બની રહી.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ ગુજરાત ઘમરોળ્યું હતું. એટલું જ નહીં ચૂંટણી પ્રચારમાં ક્યાંય સળગતી સમસ્યાનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો નહીં. સ્થાનિક-પ્રદેશ નેતાઓએ એક સમાજને સાચવવા માટે બીજા સમાજને નીચો દેખાડવા પ્રયાસ કર્યો હતો. પરસોત્તમ રૂપાલાએ સૌથી પહેલાં શરૂઆત કરી, ત્યારબાદ આ સિલસિલો પ્રચારના અંતિમ દિવસ સુધી અટક્યો ન હતો.
પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ક્ષત્રિય મહિલાઓનું અપમાન કર્યું, તો ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને હરખપદુડા કહીને વિવાદ છેડ્યો હતો. ફોર્મ રદ થતાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીને ધમકી આપી હતી કે, કાં તો હું સુરતમાં રહીશ, કાં તો કુંભાણી રહેશે. આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહેતાં ચૂંટણીપંચે પણ નોંધ લેવી પડી હતી. રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓને ગરીબની જમીનના લુંટારા કહ્યા હતા, તો આપ ઉમેદવાર ઉમેશ મકવાણાએ કહ્યુ કે, રાજા-મહારાજાઓ અફીણના નશામાં પડ્યા રહ્યા. જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીમાં પણ લુચ્ચાઈ હતી તેવું નિવેદન કરતાં હોબાળો મચ્યો. છેલ્લે નાણામંત્રી કનુ દેસાઈએ કોળિયા કુટાયને ધોળિયા ચૂંટાય એવું કહી કોળી સમાજને અપમાનિત કર્યો હતો.

આ ચૂંટણીમાં નેતાઓએ માત્ર ને માત્ર વાણી વિલાસને બાદ કરતાં પ્રજાલક્ષી ચૂંટણી મુદ્દાઓ તો છવાયા જ નહોતા. ચૂંટણી પ્રચાર પણ એકદમ નિરસ રહ્યો હતો. ભાજપના આંતરિક વિખવાદ અને ક્ષત્રિયોની નારાજગી ચૂંટણીમાં મુખ્ય મુદ્દા બની રહ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે પણ ભાજપ ભારે આત્મવિશ્વાસમાં છે, જ્યારે કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ સમાન છે. આ લોકસભાની ચૂંટણી જાણે પાટીદારો વિરુદ્ધ ક્ષત્રિયો હોય તેમ લાગી રહ્યું છે.


comments powered by Disqus