વડોદરાઃ વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા 52 વર્ષીય સોનીએ ગોલ્ડ પ્લેટિંગમાં વપરાતા સાઇનાઇડને શેરડીના રસમાં ભેળવીને પોતાની પત્ની, પિતા અને પુત્રને પીવડાવી દેતાં પિતા અને પત્નીનું મોત નીપજ્યુ હોવાની ઘટના બની હતી, જ્યારે પુત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ ધરપકડના ડરથી યુવાને પણ સાઇનાઇડ ભેળવેલો શેરડીનો રસ પી લેતાં તેની પણ હાલત નાજુક છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણના પગલે આધેડ સોનીએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે તેની સામે બેવડી હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા ચેતન મનહરલાલ સોની નાની રિંગ બનાવવાનું કામ કરે છે. અગાઉ તેઓ સોનીનું નાનું-મોટું કામકાજ કરતા હતા. ધંધો સારી રીતે ચાલતો ન હોવાથી તેમના સાળા અને તેનાં બહેન-બનેવી આર્થિક મદદ કરતાં હતાં. ચેતન સોનીની સાથે ઘરમાં તેમની પત્ની બિંદુ, પુત્ર આકાશ અને પિતા મનહરભાઈ પણ રહેતાં હતાં.
મનોજ સોનીએ પોલીસને જણાવેલી હકીકત મુજબ 2 મેએ તેમના મિત્રએ બિંદુબહેન, ભાણિયો આકાશ તથા બનેવીના પિતાને શેરડીનો રસ પીતાં આડઅસર થઈ હોવાની અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની માહિતી આપી હતી. આ દરમિયાન તેમનાં બહેન બિન્દુ તથા બનેવીના પિતા મનહરલાલનું મોત થયું હતુ, જ્યારે ભાણીયો આકાશની હાલત ગંભીર હતી. ચેતન સોનીએ કોઈને કીધા વગર પિતા અને પત્નીના અંતિમ સંસ્કાર કરી અસ્થિ કળશ ઘર બહાર બાંધી દીધા હતા.
આ દરમિયાન પોલીસ તપાસ માટે દોડી આવી હતી. પોલીસે ચેતન સોનીને લઈને તેના નિવાસસ્થાને તપાસ કરી રહી હતી, આ સમયે ધરપકડના ડરથી ચેતને પણ શેરડીનો રસ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.