કોટડાઃ કચ્છમાં એકમાત્ર લોલાડી માતાજીના મંદિરનો રૂ. 1.5 કરોડના ખર્ચે તેમના ભાવિકોએ જિર્ણોદ્ધાર કરાવ્યો, તો મહોત્સવના અવસરે વિવિધ પ્રસંગોના ચડાવાએ શ્રદ્ધાળુઓએ રૂ. 73 લાખ બોલાવ્યા, તો સાથેસાથે ગામની ગાયોના ચારા માટે પણ રૂ. 7 લાખ એકઠા થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, વરલીના ગ્રામજનો જેમને ગ્રામમાતા માને છે તેવા લોલાડી માતાજીના સદીઓ પુરાણા મંદિરનું નદીકાંઠે સાતેક એકર જગ્યામાં રૂ. 1.5 કરોડના ખર્ચે જિર્ણોધ્ધાર કરાવાયો છે.
છેલ્લાં ત્રણેક વર્ષથી મંદિરનું કામ ચાલતું હતું, જે તૈયાર થઇ જતાં હવે મંદિર મહોત્સવની તડામાર તૈયારી થઈ રહી છે.
સાતેક એકરમાં પથરાયેલું આ લોલાડી માતાજીનું મંદિર સોમપુરા શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે કલાત્મક નકશીકામ અને ગુંબજ ધરાવે છે. મંદિરની ચારે તરફ વિવિધ દેવી-દેવતાની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે. અહીં આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે જમવા-રહેવાની સુવિધાઓ, બાળકો માટે બગીચો, લીલુંછમ પરિસર, છાંયડાનો શેડ, રોકાણ માટે ભાવિકો માટેના સુવિધાસભર પાકા રૂમ, રસોડું, મંદિર પરિસર, ચબૂતરો પણ બનાવવામાં આવ્યા છે. અહીં અવાર-નવાર ધાર્મિક, સાંસ્કૃતિક અને સમૂહલગ્નો, રમત-ગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.