સુરતઃ ફાઇનાન્સના ધંધામાં નુકસાનના કારણે પુત્રના માથે રૂ. 40 લાખ જેટલું દેવું થઈ જતાં વૃદ્ધ પિતાએ સંબંધીઓ પાસેથી રૂપિયા લઈ દેવું ચૂકવી આપ્યું હતું. જો કે દેવું ચૂકવાઈ ગયા બાદ વિદેશ સ્થાયી થયેલો પુત્ર વૃદ્ધ માતા-પિતાની અવગણના કરતો હોવાથી હતાશ વૃદ્ધ દંપતીએ એકસાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃદ્ધે આપઘાત પહેલાં સ્યૂસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે પુત્રવધૂ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન અને પુત્રએ માથે કરેલા દેવાના કારણે થાકી ગયાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાવરકુંડલાના ભુવા ગામના વતની અને સરથાણા મીરાં એવન્યુ ખાતે રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ભગવાનભાઈ ગેડિયા નિવૃત્ત જીવન વ્યતિત કરતા હતા.
પુત્ર દ્વારા ભુલાવી દેવાતાં અને લેણદારોના ત્રાસથી કંટાળી શનિવારે મળસ્કે ચુનીભાઈ અને તેમનાં 64 વર્ષીય પત્ની મુક્તાબહેને એકસાથે પોતાના ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં સરથાણા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જ્યારે સંબંધીઓ દ્વારા વિદેશ સ્થાયી થયેલા પુત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.