કર્ણાટકમાં પેનડ્રાઇવ સ્કેન્ડલ પછી રાજકારણ ગરમાયું છે. આ કેસમાં તપાસ માટે રચાયેલી સીટે શનિવારે હોલેનારાસિપુરથી જેડી(એસ)ના ધારાસભ્ય એચ.ડી. રેવન્નાની ધરપકડ કરી હતી. જાતીય સતામણી અને અપહરણ કેસમાં એચ.ડી. રેવન્ના પણ આરોપી છે. તપાસ ટીમે એચ.ડી. રેવન્નાના પિતા એચ.ડી. દેવગૌડાના પદ્મનાભનગરમાં આવેલા નિવાસેથી તેમની ધરપકડ કરી હતી. અપહરણ કેસમાં વિશેષ અદાલતે વચગાળાના જામીન આપવા ઈનકાર કરતાં સીટે શનિવારે સાંજે તેમની ધરપકડ કરી હતી.
• અફઘાન મહિલા રાજદ્વારી પાસેથી 25 કિલો સોનું ઝડપાયુંઃ મહેસૂલી ગુપ્તચર એજન્સી (ડીઆરઆઈ)એ મુંબઈ એરપોર્ટ પરથી અફઘાનિસ્તાનના એક મહિલા રાજદ્વારીની સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ થઈ હતી. . મહિલા રાજદ્વારી પાસેથી 25 કિલો સોનું મળી આવ્યું હતું. મહિલા રાજદ્વારી આ સોનાની દાણચોરી કરતાં રંગે હાથ ઝડપાયા હતા. સોનાની કિંમત રૂપિયા 18.6 કરોડ અંકાઈ રહી છે. મહિલા રાજદ્વારીની ઓળખ જાકિયા વરદાક તરીકે થઈ હતી.
• સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાતઃ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાઓને હથિયાર સપ્લાય કરવાના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. તેણે ચાદરથી ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. 32 વર્ષીય અનુજ થાપનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
• PoKના સ્થાનિકો સામેથી ભારતમાં જોડાવા આવશેઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રવિવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર) પર ભારત પોતાનો દાવો ક્યારેય જતો કરશે નહીં. પણ પીઓકેને પરત મેળવવા માટે ભારત ક્યારેય બળપ્રયોગ નહીં કરે. પીઓકેના લોકો સામે ચાલીને ભારતમાં જોડાવા માટે આવશે.
• જયશંકરે કહ્યું, ‘ભારત બધાનું છે’: વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની ટિપ્પણીઓને નકારી કાઢતા કહ્યું - ભારત ‘ઝેનોફોબિક’ (અન્ય ધર્મ-સંસ્કૃતિના લોકોથી ડર) નથી. તેમણે કહ્યું, અમારો દેશ દરેક સમાજના લોકોનું સ્વાગત કરે છે. જયશંકરે એ આરોપનું પણ ખંડન કર્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ડગમગે છે. બીજી એપ્રિલે બાઇડેને કહ્યું હતું કે ભારત, ચીન, જાપાન અને રશિયાની ઝેનોફોબિક પ્રકૃતિ તેની આર્થિક મુશ્કેલીઓ માટે જવાબદાર છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત એક એવો સમાજ રહ્યો છે જે ઘણો ખુલ્લો છે. વિવિધ સમાજોના વિવિધ લોકો ભારત આવે છે.
• હિન્દુ કાયદા મુજબ વિધિ અને ફેરા વગર લગ્નને માન્યતા ન મળેઃ છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હિન્દુ ધર્મમાં લગ્નના મહત્વ અંગે અવલોકન કર્યું હતું. સાથે સાથે જ એવા લોકોને ટકોર કરી હતી જેઓ લગ્નનો ઉપયોગ માત્ર સર્ટિફિકેટ મેળવવા માટે કરતા હોય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિન્દુ લગ્ન એ કોઇ નાચવા, ગાવા કે દારુ પીવા માટેની ઇવેન્ટ નથી, આ એક પવિત્ર સંસ્કાર છે, જ્યાં સુધી હિન્દુ વીધી મુજબ લગ્ન ના થયા હોય ત્યાં સુધી તેને માન્ય ના ગણી શકાય.