દેશવિદેશના પ્રશ્નો, સ્વાસ્થ્ય ચર્ચા, ભક્તિચર્ચા, આધ્યાત્મિક ચર્ચા સહિતના પ્રશ્નો પર સતત ગુજરાત સમાચારનો ઝૂમ ઇવેન્ટ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ યોજાતો આવ્યો છે, જે લગભગ તમામ પાસાં પર ચર્ચાના કારણે લોકોપયોગી અને માર્ગદર્શક બની રહ્યો છે. ત્યારે 1 મેના ગુજરાત દિન નિમિત્તે ગુજરાત સમાચાર અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલના નેતૃત્વમાં 2 મેએ ખાસ ઝૂમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની ધુરા સંભાળતાં કોકિલાબહેન પટેલે જણાવ્યું કે, ભારતની આઝાદી બાદ ભાગલા બાદ 1947માં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. જો કે 1956માં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરી કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગ એવા ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઈ નામ અપાયું. આ નવા રાજ્યના ઉત્તર વિસ્તારમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ વિસ્તારમાં મરાઠી ભાષી લોકો હતા. આ દરમિયાન સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત પરિષદની રચના થઈ અને આઝાદી સમયના મહાન લોકનેતાઓ ઇન્દુલાલ યાજ્ઞિકે આંદોલનની આગેવાની લીધી અને સારંગપુરમાં મહાગુજરાત પરિષદની બેઠક યોજાઈ, જે બાદ મોટાપાયે આંદોલન શરૂ થયું. આ આંદોલનથી સફળતા મળી અને નક્કી થયું કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોનું વિભાજન થશે. આમ 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ પાસે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને પ્રથમ મુખ્યમંત્રીપદે જીવરાજભાઈ મહેતા નિમાયા.
કાર્યક્રમને આગળ ધપાવતાં પહેલાં કોકિલાબહેન પટેલ દ્વારા માયાબહેન દીપકને કવિ નર્મદની એક રચના રજૂ કરવા આગ્રહ કર્યો. જેને માન આપી માયાબહેને દીપકે કવિ નર્મદનું ‘જય જય ગરવી ગુજરાત...’ રજૂ કર્યું.
માયાબહેન દીપકની સુંદર રજૂઆત બાદ કોકિલાબહેન પટેલે ગુજરાત રાજ્યમાં પાંચ-પાંચ વખત પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કાર્યરત્ રહેનારા, પૂર્વ અગ્રસચિવ અને નર્મદા નિગમના ચેરમેન તથા હાલમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટી, દ્વારકા મંદિર, અંબાજી મંદિર, શ્રી ભાગવત્ વિદ્યાપીઠ અને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા શ્રી પી.કે. લહેરીને આવકાર્યા હતા.
કોકિલાબહેનના આવકારને માન આપતાં પી.કે. લહેરી સાહેબે જણાવ્યું કે, ગુજરાતે પોતાની સ્થાપના એક મૂઠીઊંચેરા માનવી એક રવિશંકર મહારાજના હાથે કરી તે વિશ્વના ઇતિહાસમાં એકમાત્ર પ્રસંગ છે. જેની પાસે કોઈ હોદ્દો, સત્તા, સેવા સિવાયની કોઈ મૂડી નથી, પગમાં ચપ્પલ પહેર્યા વિના સમગ્ર ગુજરાતમાં સેવા માટે ફરે છે તેવા પવિત્ર પુરુષના હાથે ગુજરાતની સ્થાપના થઈ, ત્યારે આપણને ગાંધીજીની ઉક્તિ યાદ આવે કે, ‘ભગવાન મને તક આપે તો હું મારું ખોળિયું રવિશંકર સાથે બદલું.’
ગુજરાતનો પ્રથમ 20 વર્ષનો ગાળો પડકારોનો સામનો કરવાનો હતો. આ જ દિવસોમાં સૌથી વધુ દુષ્કાળ પડ્યા, એ જ દિવસોમાં કચ્છથી લોકોનું પશુઓ સાથે હિજરત કરવાનું બન્યું. પાણી માટે વલખાં મારતાં ગામો અને ગુજરાતનાં 18 હજાર ગામમાંથી ક્રમશઃ 9 હજાર ગામોનો પાણીનો સ્રોત ઉનાળામાં ટેન્કર સિવાય હતો જ નહીં. આવી નાજુક સ્થિતિ જ્યારે સર્જાઈ ત્યારે 1962માં નર્મદા યોજનાનો પાયો નખાયો, આ તરફ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન બનાવ્યું, રિફાઇનરીને આમંત્રણ આપ્યું, આ બધાં જ કાર્યોમાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનો મોટો ફાળો છે.
આજે ઘણીવાર ચર્ચા થાય છે કે એઇમ્સ કેટલી બની અને કોણે બનાવી. રાજકુમારી અમરતકોરે બનાવી કે પંડિત નહેરુએ બનાવી, પરંતુ આ તો ડાયરેક્ટર જનરલ ડો. જીવરાજ મહેતા હતા જેમણે આખા ગુજરાતનું આરોગ્ય માળખું ગોઠવ્યું છે તે વાત તો નજરઅંદાજ જ કરવામાં આવે છે.
જીવરાજ મહેતા બાદ બળવંતરાય મહેતા આવ્યા. એ કસાયેલા કાર્યકર, બુદ્ધિજીવી અને પંચાયતી રાજના પિતા ગણાતા. ત્યારપછી તેમનું 1965ના યુદ્ધમાં 19 સપ્ટેમ્બરે ટાટા કંપનીના પ્લેનમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરાતાં કચ્છના સુથરી ગામે પ્લેન ક્રેશ થયું અને તેમનું અવસાન થયું.
બળવંતરાય મહેતા બાદ હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રીપદે આવ્યા. મોરારજીભાઈની આ પસંદગી હિતેન્દ્રભાઈ નખશિખ સજ્જન હતા. વિશ્વ ગુજરાતી સમાજના તે પ્રથમ પ્રમુખ હતા. એ પરિસ્થિતિમાં તેમનો શાસનકાળ ઇન્ડિકેટ અને સિન્ડિકેટના વિભાજમાં અલગ પડ્યો અને તેમણે ધીમેથી મોરારજીભાઈને છોડીને ઇન્દિરા ગાંધી સાથે જવાનું પસંદ કર્યું. બીજી તરફ રતળુભાઈ, જીવરાજભાઈ અને રસિકભાઈની ત્રિપુટીએ પણ મોરારજીભાઈ સાથેના મતભેદના કારણે ઇન્દિરા ગાંધી સાથે જવાનું પસંદ કર્યું અને 1972ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસનો ગુજરાતમાં ભવ્ય વિજય થયો. તેઓ પોતાની ટર્મ પૂરી શકે તે પહેલાં દિલ્હીથી મોકલાયેલા ઘનશ્યામભાઈ ઓઝા અનેક મર્યાદાના કારણે સંચાલન ન કરી શક્યા. પંચવટી કહો કે પ્રપંચવટી કહો પણ ચીમનભાઈ પટેલની ઘટના બની અને તેમની સરકાર આવ્યા બાદ ભારત સરકાર કે કોંગ્રેસ માટે જે થયું તે પણ નવનિર્માણના નામે રોટી રમખાણ થયાં અને ગુજરાતની સ્થિતિ નબળી પડી.
1975માં મુખ્યમંત્રી બન્યા બાબુભાઈ જશભાઈ પટેલ. આ સમયે હું જામનગરમાં હતો. આજે હું કહું તો નવાઈ લાગે કે ઇન્દિરા ગાંધીએ એ ચૂંટણીમાં 11 દિવસ પ્રચાર કર્યો હતો, પરંતુ તેઓ જીત્યા નહીં અને વિરોધ પક્ષનો જનતા મોરચો બન્યોે.
લગભગ 1980 સુધીમાં બાબુભાઈ અને માધવસિંહભાઈની બે-ત્રણ સરકારો બદલાઈ, પરંતુ જ્યારે 1980માં ચૂંટણી થઈ ત્યારે ખામ થિયરી હેઠળ રાજકીય રીતે જાતિવાદ, પરમ્યુટેશન કોમ્બિનેશન થયું અને ગુજરાતમાં એક ભવ્ય વિજય સાથે ઇન્ડિકેટ્સનું શાસન સ્થપાયું. માધવસિંહભાઈ સોલંકી તેમના વડા બન્યા, રતુભાઈ અને ઝીણાભાઈ જેવા વરિષ્ઠ લોકો તેમના માર્ગદર્શક હતા અને આંતરિક મતભેદના કારણે ફરી એકવાર રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાયો. આમ છતાં 1985માં માધવસિંહે એકલેહાથે બે તૃતિયાંશ કરતાં વધારે બહુમતી મેળવી, પરંતુ તેમને અનામત આંદોલનના કારણે જવું પડ્યું.
1980થી 2001ની વાત કરું તો આ 20 વર્ષના ગાળામાં સૌથી વધુ મુખ્યમંત્રીઓ આવ્યા. 1980માં માધવસિંહ સોલંકી, 1985માં અમરસિંહ સોલંકી, 1990માં ચીમનભાઈ પટેલ આવ્યા, 1994માં છબીલદાસ મહેતા આવ્યા, 1995માં કેશુભાઈ પટેલ આવ્યા, 1995માં સુરેશભાઈ મહેતા, 1996માં શંકરસિંહ વાઘેલા, 1997માં દિલીપભાઈ પરીખ આવ્યા. આમ આ 20 વર્ષમાં 8 મુખ્યમંત્રી સાથે ગુજરાતે રાજકીય સ્થિરતાના બદલે રાજકીય અસ્થિરતાનો સમય જોયો.
જો કે જ્યારે 1998માં કેશુભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી બન્યા ત્યારે 1312 દિવસના કાર્યકાળમાં બે મોટાં વાવાઝોડાં, એક મોટો દુષ્કાળ અને વિનાશક ભૂકંપના કારણે તેમની સરકારની આલોચના થઈ. આ ઘટનાક્રમ બાદ અગાઉ રાજકારણનો અનુભવ ન ધરાવતા નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને આ મોદી યુગ છેલ્લાં 20-25 વર્ષથી અવિરત છે. 12 વર્ષ, સાત મહિના અને 3 અઠવાડિયાં તેમણે ગુજરાતનું શાસન સંભાળ્યું અને 10 વર્ષથી તેઓ દિલ્હીમાં શાસન સંભાળે છે. પોલિટિકિલ સ્ટેબિલિટીના કારણે ખેતીવાડીમાં ટેક્નોલોજિકલ પરિવર્તન, નર્મદા યોજના પૂર્ણ થવાથી અને કેશુભાઈએ શરૂ કરેલી યોજનાને ઝડપથી અમલમાં મૂકીને નરેન્દ્રભાઈએ ગુજરાતને પાણીદાર બનાવ્યું.
હાલમાં રાજ્ય સાથે સમગ્ર દેશની 750 બિલિયન ડોલરની નિકાસ સામે 250 બિલિયન ડોલરની નિકાસ એકલું ગુજરાત કરે તે ગર્વ લેવા જેવી બાબત છે.
હાલમાં સિરામિકમાં ગુજરાતમાં એટલું મોટું મૂડીરોકાણ થઈ રહ્યું છે, કે આવતા વર્ષે ગુજરાત દિને આપણે મળીશું ત્યારે ચીન કરતાં આપણા સિરામિકની કેપેસિટી વધારે હશે. આ બધી પોઝિટિવ બાબતો સાથે મારે પડકારોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.
આપણો આદિવાસી બેલ્ટ, આપણી સાડા સાત ટકાની વસ્તી અને કાંઠા-રણવિસ્તારની વસ્તી માટે આપણે હજુ પૂરતું ધ્યાન આપી શક્યા નથી. નહિતર ગુજરાત દરેક વસ્તુમાં આગળ હોત. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે હોવો જોઈએ તેમાં આપણે પાછળ છીએ, જે અંગે જાગવાની જરૂર છે.
આપણે ત્યાં મહિલાઓની સ્થિતિ માનીએ છીએ તેટલી સારી નથી. ગુજરાતમાં રોજના 26 આત્મહત્યાના કેસ નોંધાય છે. તે શા માટે? આજે અનેક જગ્યાએ, અનેક કુટુંબોમાં મહિલાઓને કામ કરવાની છૂટ નથી મળતી, ભણાવવામાં નથી આવતી. અમે જન-જનને ભોજનની એક યોજના ચાલુ કરી, જેમાં જે બહેનો ટિફિન લેવા આવી હતી, તેમાં જોડાયેલી 50 બહેનો પૈકી 45 બહેનોએ અંગૂઠા માર્યા.
ત્રીજો વિષય છે ડ્રગ્સનો. આ કારોબારમાં રોજનું અનેક કરોડનું ડ્રગ્સ ઝડપી લેવાય છે, તો વિચાર થાય છે કે આ કારોબાર કેટલો મોટો હશે! આપણા નજીકના લોકોમાં જ જોવા મળે છે કે દારૂ અને ડ્રગ્સના કારણે લોકોની બદબાદી થઈ રહી છે. આપણા યુવાધન માટે આ ચિંતાનો વિષય છે. રોજગારીમાં છેલ્લાં 40 વર્ષથી ગુજરાત નં. 1 છે, ભલે તે રાજકોટ હોય, અમદાવાદ હોય કે સુરત. કોઈપણ માણસને કામ જોઈતું હોય તો મળે છે. આજે અમેરિકા અને કેનેડા કરતાં આપણી સ્થિતિ સારી છે, પરંતુ રોજગારીના મુદ્દે આપણે હજુ વધુ કામ કરવાનું છે.
છેલ્લો અને ચિંતાનો મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણે ત્યાં આવકની અસમાનતા વધી છે. દેવું વધ્યું છે. થોડા સમય પહેલાં શાહુકારોને નાથવા સરકારે પ્રયાસ કર્યો, પરંતુ આવાં તત્ત્વો અંકુશમાં આવતાં નથી.
આ બધી ચિંતા છતાં ગુજરાત દિને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે, ગુજરાતે આજે દેશને 10 વર્ષથી અડગ રહેલા પ્રધાનમંત્રી આપ્યા. ઉપરાંત એવા સશક્ત ગૃહમંત્રી અમિત શાહ આપ્યા જેમણે સરદાર પટેલ બાદ કાશ્મીરના એકીકરણ માટે ચીવટતા દાખવી મહેનત કરી એટલી અગાઉ કોઈએ ભાગ્યે જ કરી હશે. આ આપણા માટે ગૌરવની વાત છે. જ્યારે નવી સરકાર બનશે ત્યારે ગુજરાતનું મહત્ત્વ એટલે જળવાઈ રહેવાનું છે, કારણ કે ગુજરાત પાસે કામધંધો છે-રોજગારી છે, વિકાસ છે, ઉત્પાદન અને મેનપાવર છે. આપણે ત્યાં 7 હજાર સ્ટાર્ટઅપ અને 150 જેટલા યુનિકોર્ન સાથે આજે આપણી યંગ જનરેશન પણ આગળ વધી રહી છે. આપ સૌને ગુજરાત દિનની શુભકામના.
પી.કે. લહેરી સાહેબે જણાવ્યું કે, 1950થી શરૂ કરીને અનેક લોકો ત્યાં ગયા. પહેલાં અભ્યાસ કરવા મળે અને ત્યાં સિટીઝનશિપ મળી જવાના લોભમાં યુવાધન ત્યાં જઈ રહ્યું છે, આ ચિંતાનું કારણ છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારી ત્યાં ગયેલા આપણા લોકોને હેરાન કરી દેશે. આપણે આપણા યુવાધનને સમજાવવાની જરૂર છે. આજે અનેક લોકો ત્યાંની જોબ છોડીને અહીં આવ્યા છે. 2027માં જ્યારે ભારત વિશ્વનું ત્રીજું સોથી મોટું અર્થતંત્ર બનીશું, ત્યારે સીધી ગંગા શરૂ થઈ જશે - તેઓ પરત આવી જશે.
શ્રી પી.કે. લહેરી દ્વારા ગુજરાતની ગાથા આલેખ્યા બાદ કોકિલાબહેન પટેલ દ્વારા લંડનના મહારાષ્ટ્ર મંડળના પ્રમુખ વૃષાલભાઈ ખાંડકેને આમંત્રણ આપવામાં આવ્યું.
વૃષાલભાઈ ખાંડકેએ જણાવ્યું કે, 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય અલગ થયાં. રાજ્ય અલગ ભલે થયાં પણ હજુ સુધી અમે એક જ છીએ. હું મુંબઈમાં જન્મ્યો, અને ત્યાં મેં પહેલેથી જ વેપાર પર ગુજરાતીઓનું વર્ચસ્વ જોયું છે. હું અહીં સ્થાયી થયો ત્યારે જોયું કે ગુજરાતી અને પંજાબી સમાજ ખૂબ સ્ટ્રોંગ છે. મરાઠી સમાજ ઝડપથી ઘરથી બહાર નથી નીકળતો. જો કે હવે આ દૃષ્ટિકોણ બદલાયો છે. આઇટી ક્ષેત્રે નિષ્ણાતોની માગ વધતાં સ્કિલ ધરાવતા યુવતો વિદેશમાં માઇગ્રેટ કરી રહ્યા છે. પહેલાં બહુ ઓછા લોકો લંડન આવતા હતા, પરંતુ હવે મુંબઈથી લંડન આવતી ફ્લાઇટમાં મોટા પ્રમાણમાં મરાઠી આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે જે પોલિસીમાં ફેરફાર કર્યા છે, જેમ કે એજ્યુકેશન, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, એન્જિનિયરિંગ કોલેજ અને આઇટી ક્ષેત્રે ખૂબ ધ્યાન અપાયું છે.
આ અમારા માટે ખૂબ ફાયદાકારક રહ્યું અને એ કારણે જ અનેક મરાઠીઓ યુકે આવ્યા અને સારી પોઝિશન પર હાલમાં કામ કરી રહ્યા છે.
વૃષાલભાઈ ખાંડકે બાદ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના કન્વીનર સ્નેહલભાઈ મહેતાએ કહ્યું કે, આજનું ભારત યુવાન ભારત છે. પ્રધાનમંત્રી મોદીએ જે ભારતનું સ્વપ્ન જોયું હતું અને તેઓ તે તરફ તેને લઈ જઈ રહ્યા છે તેના સાક્ષી બનવાનો મોકો મળ્યો તે બદલ હું ખુશ છું. હમણા જ પ્રધાનમંત્રી મોદીએ એક ભાષણમાં કહ્યું હતું કે, અમે વીજબિલ અને પેટ્રોલ નિઃશુલ્ક કરવા માગું છું. આવું ભારત માટે વિચારનારું કોઈ થયું જ નથી. હું યુકે રહું છું, પરંતુ ભારત અવારનવાર આવવાનું રહે છે. અમારી ટીમ યુકેમાં ઘરેઘરે જઈને લોકોને જાગૃત કરીએ છીએ અને ભારતની નીતિ, પ્રધાનમંત્રીની વિશ્વમાં સિદ્ધિ, ભારતની જીડીપી, ઉદ્યોગો અંગે ભારતીયોને જણાવે છે. લહેરી સાહેબે કહ્યું હતું તેમ સીધી ગંગા શરૂ થઈ ચૂકી છે. હું યુકે હતો, પરંતુ હું અને મારાં પત્ની ભારત શિફ્ટ થઈ ગયાં છીએ, જ્યારે બાળકો યુકેમાં અભ્યાસ કરે છે. ભારતની સેવા કરવાનો ખરેખરો સમય આજનો છે.
મને ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ યાદ આવે છે. ‘ધીમેધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી તું સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા. જ્ઞાન હો ઘરમાં કે પછી ગંગામાં, શરત એક જ છે કે ભીતરથી તું શુદ્ધ થા.’
સ્નેહલભાઈ મહેતા બાદ વિનુભાઈ કરસનભાઈ સચાણિયાએ પોતાનો અનુભવ વર્ણવતાં જણાવ્યું કે, હું નાનપણથી આરએસએસમાં હતો. આપણે તમામ આરએસએસને એક હિન્દુ સંસ્થા સમજીએ છીએ, પરંતુ તેવું નથી આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. રાષ્ટ્ર માટે જે કોઈ સમર્પિત હોય અને કંઈ કરવું હોય તેમના માટે ડો. કેશવ બલીરામ હેડગેવારજીએ આ સંસ્થા 1925માં સ્થાપી. આ સંસ્થાના માધ્યમથી શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને છેલ્લે નરેન્દ્ર મોદી આપણને પ્રાપ્ત થયા.
મોદીએ રાજકારણના માધ્યમથી ગુજરાત અને ભારતને શક્તિ આપી અને હવે તેઓ વિશ્વકક્ષાના નેતા થઈ ચૂક્યા છે. આજે વૈશ્વિક યુદ્ધો અને સંકટોમાં નરેન્દ્ર મોદીની સલાહ લેવાતી થઈ છે. આ પ્રકારની ક્રાંતિથી રાજકારણમાં સારા નેતાઓ આવ્યા. સંસ્થામાં સંનિષ્ઠ માણસો આવે અને સંસ્થા મજબૂત થાય તેવો નરેન્દ્ર મોદી ઇશારો કરે છે. આ જ પ્રકારે સી.બી. પટેલ જેવી સંનિષ્ઠ વ્યક્તિએ ગુજરાત અને ભારતના હિતમાં જબરજસ્ત કામ કર્યું છે, જે આપણા સૌ માટે ગર્વ લેવા જેવી બાબત છે. ગુજરાતનો કોઈ પ્રશ્ન હોય તો સી.બી. પટેલનું નામ પહેલાં આવે. આવી જ ભાવના ધરાવતા પવિત્ર લોકોને તમે શોધી આગળ કરો અને તેમને સાથ-સહકાર આપો. હવેની સ્થિતિ એ છે કે સારા અને સંનિષ્ઠ લોકોને લાવવા પડશે અને તેમને સાથ-સહકાર આપવો પડશે.
વિનુભાઈ સચાણિયાના સંદેશ બાદ ન્યૂઝ એડિટર અચ્યુતભાઈ સંઘવી દ્વારા વિશ્વભરના સમાચારોથી લોકોને અવગત કરાવવામાં આવ્યા હતા.
વિશ્વભરના સમાચાર જાણ્યા બાદ સી.બી. પટેલ દ્વારા જય ગુજરાત, જય મહારાષ્ટ્ર, જય ઓડિશા, જય ગોવા, જય ભારત, જય બ્રિટન અને જય જગત સાથે જણાવાયું કે, સોનેરી સંગત ગુજરાત સમાચારનો નમ્ર પ્રયાસ છે, એમના માટે જેઓ બહાર જઈ શકતા નથી. આજનો કાર્યક્રમ ખૂબ અગત્યનો છે. મુઠ્ઠી ઊંચેરા માનવી એવા કનુભાઈ લહેરીના પવિત્ર કાર્યશૈલી ધરાવતા પુત્ર પી.કે. લહેરી, વૃષાલભાઈ ખાંડકે, સ્નેહલભાઈ મહેતા અને વિનુભાઈ સચાણિયા જેવા દિગ્ગજો સાથે જ્ઞાનસભર ચર્ચા થઈ.
આભારવિધિ કરતાં મહેશભાઈ ગ્રૂપ એડિટર લીલોરીયાએ જણાવ્યું કે, આ દિવસ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માટે ગૌરવસમાન છે. આ આપણી સમૃદ્ધ ધરોહર અને સંસ્કૃતિની ઉજવણીનો દિન છે. આપણી આ પરંપરાઓને ધ્યાને રાખીને જ સી.બી. પટેલ સાહેબે નક્કી કર્યું હતું કે, ગુજરાત દિને આપણે સૌ એકઠા થઈને એક ચિંતન, મંથન અને વિચારવિમર્શ ઉપરાંત આપણે ક્યાં પહોંચ્યા અને ક્યાં જવાનું છે તેની વાત થવી જોઈએ. જેમાં આપ સૌ દિગ્ગજોએ હાજર રહીને ગૌરવપૂર્ણ સંસ્કૃતિની જે છણાવટ કરી તે બદલ ખૂબખૂબ આભાર.