અમદાવાદઃ ઇઝરાયલ સામે મંગળવારે ઇરાન દ્વારા કરાયેલા હુમલા બાદથી વેસ્ટર્ન એશિયામાં ટેન્શન વધી ગયું છે. આ બંને દેશો વચ્ચેના તણાવના પગલે ગુજરાતથી અમેરિકા, યુરોપ અને આફ્રિકાના દેશોમાં થતી નિકાસને અસર પડશે. વેપાર-ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ઇરાન અને ઇઝરાયલ સાથે ગુજરાતથી સીધો વેપાર મર્યાદિત છે, પરંતુ પશ્ચિમી દેશો અને આફ્રિકામાં થતી નિકાસના રૂટમાં આ વિસ્તાર આવતો હોવાથી જિઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે. આમ થવાથી લોજિસ્ટિક ખર્ચ વધશે અને કન્ટેનરની શોર્ટેજ થવાની પણ સંભાવના છે.
CII ગુજરાતમાં ઇન્ટરનેશનલ ટ્રેડ અને એક્સપોર્ટ પેનલના કો-કન્વીનર સુનિલ દવેએ જણાવ્યું કે, તણાવ છે તે વિસ્તારોમાં નો ફ્લાય ઝોન વધ્યા છે, તેના કારણે કાર્ગો પ્લેનને ફરીને જવું પડે છે. આ સ્થિતિમાં પ્લેનમાં 40 ટકા ઓછું વજન ભરવામાં આવે છે. આના કારણે એક્સપોર્ટ ખર્ચમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત માલનું જોખમ વધી જવાથી ઇન્શ્યોરન્સ ખર્ચમાં પણ 20થી 25 ટકાનો વધારો થયો છે. હાલ તો આ ટેન્શનની મોટી અસર નથી પણ આગામી 2 સપ્તાહમાં પરિસ્થિતિ સુધરશે નહીં તો તેની અસર દેખાશે અને નિકાસના લોજિસ્ટિક ખર્ચમાં વધારો થશે.