ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના માંડવી ખાતે તેમના પ્રવાસ દરમિયાન ભુજ નજીક ચાડવા રખાલમાં વન્યપ્રાણી કેરેકલ એટલે કે હેણોતરોના ઉછેર તથા સંવર્ધન માટે રૂ. 10 કરોડના ખર્ચે કેન્દ્ર વિકસાવવાની જાહેરાત કરી છે. કેરેકલ એ મોટી સાઇઝની રાની બિલાડી પ્રકારનું વન્ય પ્રાણી છે.
ચાડવા રખાલનો વનવિસ્તાર અત્યાર સુધી કચ્છના રાજવી પરિવારનો હતો, જેમણે 4,900 હેક્ટર જમીનનો કબજો રાજ્ય સરકારને સોંપ્યો છે. ઇકો ટૂરિઝમની સંભાવના ધરાવતા આ વિસ્તારમાં દીપડા, મગર, ચિંકારા, ઘોરખોદિયું. શિયાળ જેવાં 28 જેટલાં સસ્તન, 28 સરિસર્પ અને 242 વિહંગ પ્રજાતિનાં મળીને કુલ 296 વન્ય પ્રાણી-પંક્ષીની વસ્તી જોવા મળે છે.