ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર શપથ 7 ઓક્ટોબર, 2001ના દિવસે લીધા. રાજનીતિમાં આ પહેલાં મોદીએ ક્યારેય પ્રવેશ કર્યો નહોતો. એકપણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી પણ નહીં લડેલા મોદી ગુજરાતના વિનાશક વાવાઝોડા અને ભૂકંપ પછી તરત જ મુખ્યમંત્રી બન્યા અને તેમને ગુજરાતને બેઠું કરવાની જવાબદારી મળી. તે પછી થોડા જ સમયમાં ગુજરાતમાં રમખાણો થયાં. જો કે તેમણે ગુજરાતમાં કરેલા શાસનના 13 વર્ષમાં ંજ ભાંગ્યા-તૂટ્યા ગુજરાતને વિકસિત અને વાઇબ્રન્ટ બનાવ્યું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વહીવટી સુધારાથી લઈ નવી લોકયોજનાઓ, માળખાકીય પ્રકલ્પો, ઉદ્યોગ રોકાણ અને નીતિનિર્ધારણ થકી ગુજરાતની સિકલ બદલી નાખી. 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ગુજરાત વિશ્વમાં ઉદ્યોગ, રોકાણ માટે પ્રીતિપાત્ર બન્યું છે. સરદાર સરોવર યોજના અને કેનાલ નેટવર્કિંગ થકી સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારમાં થયું. ખેડૂતો, માછીમારો, એસસી-એસટી અને ઓબીસી સમાજના લોકો, મહિલાઓ, ગરીબો, વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્પર્શતી યોજનાઓ તથા નવી આરોગ્ય અને શિક્ષણસુવિધા શરૂ કરીને સામાજિક ક્ષેત્રનો વિકાસ કર્યો. રગશિયા ગાડા જેવી પ્રણાલી દૂર કરી સમગ્ર સરકારને કર્મયોગી બનાવવાની પહેલ કરી. ધોલેરા, ગિફ્ટ સિટી જેવા પ્રકલ્પો ઉપરાંત રસ્તા, બંદરો, એરપોર્ટ, પુલ સહિતની અન્ય માળખાકીય સુવિધા તેમજ ધોરડો, ગીર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં પ્રવાસન વધારી ગુજરાતના અર્થતંત્રને પણ મજબૂત કર્યું છે.
પીએમ તરીકે પણ ગુજરાત પર વિશેષ ધ્યાન
મોદી 2014માં પ્રથમવાર દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પણ સતત ગુજરાતના વિકાસ માટે ધ્યાન આપ્યું છે. મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, વંદે ભારત ટ્રેન, એક્સપ્રેસ હાઇવે, સોલાર પાર્ક સહિતનાં નવાં પ્રકલ્પો માટે ગુજરાતને કેન્દ્ર તરફથી મળતા અનુદાનોમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. ગુજરાતને સર્વપ્રથમ એઇમ્સ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ અપાવી છે. આમ તેમણે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીકાળમાં ગુજરાતને લક્ષ્યમાં રાખ્યું છે.