અમદાવાદઃ સમયની જરૂરિયાત મુજબ હાલમાં અમદાવાદના સાબરમતી આશ્રમનું નવીનીકરણ થઈ રહ્યું છે, જે વર્ષ 2026માં પૂરું થવાની શક્યતા છે. નવીનીકરણનું કામ હાલમાં 40 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે.
નવીનીકરણમાં પણ પ્રાચીનતા
નવીનીકરણ બાદ નવા આશ્રમમાં પ્રાચીનતા અને આધુનિકતાનો સંગમ હશે. અહીં જે બાંધકામ થઈ રહ્યું છે તેમાં ચૂનો, ગોળ, શંખજીરુ, ગૂગળ, અડદ, મેથી, ચિરોડી અને નળિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. જૂની બિલ્ડિંગના બાંધકામમાં પણ આ જ વસ્તુઓ ઉપયોગમાં લેવાતી હતી.
કૃત્રિમ વર્ષાવન બનશે
અમદાવાદ જેવા શહેરી વિસ્તારની વચ્ચે ઘટાદાર વૃક્ષોથી ભરેલું વન મળી રહે તે માટે ગાંધી આશ્રમમાં 3 હજાર ચોરસ મીટર વિસ્તારમાં કૃત્રિમ વર્ષાવન પણ બનાવાઈ રહ્યું છે. અહીં 3 પ્રકારનાં વૃક્ષો હશે. પહેલો પ્રકાર એટલે ઝડપથી વૃદ્ધિ પામતાં અને વધુ ઊંચાઈ સુધી પહોંચતાં મોટાં વૃક્ષો, બીજો પ્રકાર એટલે પ્રમાણમાં ઓછી ઝડપથી વૃદ્ધિ પામતાં અને મધ્યમ સ્તરની ઊંચાઈ સુધી પહોંચતાં વૃક્ષો, જ્યારે ત્રીજો પ્રકાર એટલે સીમિત ઊંચાઈ સુધી જ વૃદ્ધિ પામતાં વૃક્ષો કે જેનો ઉપયોગ ગ્રાઉન્ડ કવર તરીકે કરી શકાય. જેમાં રેઇનગનથી કૃત્રિમ વરસાદ વરસાવાશે.
રૂ. 1246 કરોડનો ખર્ચ
સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી આઇ.કે. પટેલે કહ્યું કે, રૂ. 1246 કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેમાં ગાંધીઆશ્રમ મેમોરિયલ, મુલાકાતીઓ માટે સુવિધા, ખાદી કેન્દ્ર અને રિસ્ટોરેશનનો સમાવેશ થાય છે. સ્થાનિકોને અપાયેલું વળતર પણ આ ખર્ચમાં આવી જાય છે.
આશ્રમને મૂળ સ્થિતિમાં પાછો લવાશે
આઇ.કે. પટેલે કહ્યું કે, રોજના 5 થી 7 હજાર લોકો ગાંધીઆશ્રમની મુલાકાત લે છે. ગાંધીઆશ્રમ નવો નથી બની રહ્યો પણ તેનું રિસ્ટોરેશન થઈ રહ્યું છે. ગાંધીજીના સમયમાં બનેલા જૂનાં મકાનોને મૂળ સ્થિતિમાં ફરીથી લાવવાનું કામ હાથ ધરાઈ રહ્યું છે. 55 એકરની બહાર રિ-ડેવલપમેન્ટ અને 55 એકરની અંદર રિસ્ટોરેશન કર્યું છે.