લેડી પ્રમિલા પારેખઃ પ્રેમાળ, સાહસિક અને અથાક પરિશ્રમી વ્યક્તિત્વ

Tuesday 08th October 2024 08:58 EDT
 
 

પ્રોફેસર લોર્ડ પારેખ અને રાજ, નિતિન તથા અનંતના પ્રેમાળ માતૃશ્રી લેડી પ્રમિલા પારેખ ટૂંકી માંદગી બાદ 30 ઓગસ્ટના રોજ વૈકુંઠની અનંત યાત્રાએ ચાલી નીકળ્યાં હતાં.
લેડી પ્રમિલા હલના વંશીય અને ધાર્મિક સમુદાયને એકજૂથ કરવામાં મહત્વની ભુમિકા ભજવનારા સક્રિય કોમ્યુનિટી રિલેશન ઓફિસર હતાં. લઘુમતી સમુદાયોની ધાર્મિક જરૂરીયાતો પ્રત્યે સંવેદનશીલ લેડી પ્રમિલાએ હલના સહિષ્ણુ સામાજિક તાણાવાણામાં તેમને એકજૂથ કરવા અથાક પરિશ્રમ કર્યો હતો. જાણીતા ધાર્મિક રાજદૂત તરીકે તેમણે હલની પ્રાથમિક અને સેકન્ડરી શાળાઓમાં વિશેષ કરીને હિન્દુ ધર્મ સહિત વિવિધ સમુદાયોની આસ્થાઓ અને રીતિરિવાજોને અર્થઘટિત કર્યાં હતાં.
લેડી પારેખ સાથેના લાગણીસભર સંબંધોને કારણે તેમની અંતિમક્રિયામાં બ્રિટન, ભારત અને અમેરિકાથી લગભગ 100 લોકો હાજર રહ્યાં હતાં. પ્રારંભિક હિન્દુ વિધિ લેસ્ટરના જાણીતા મહારાજ દિલીપ જોશીએ કરાવી હતી. તેમણે લેડી પ્રમિલાને આશીર્વાદ આપતાં ટુંકું સંબોધન કર્યું હતું.
અંતિમક્રિયાની વિધિનો પ્રારંભ ડો. નિતિન પારેખ દ્વારા પરિવાર અને મિત્રોના આવકાર સાથે કરાયો હતો. પોતાના માતાના જીવનને શ્રદ્ધાંજલિ અર્પવા આવેલા તમામનો તેમણે હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કર્યો હતો. લેડી પ્રમિલાએ અસંખ્ય જીવનો પર અસર છોડી હતી જેનું સંપુર્ણ વર્ણન અશક્ય હતું. નિતિન પારેખે તેમની માતાની નિખાલસતા, પિતા સાથે લગ્ન કરવા અંગેના તેમના નિર્ણય અંગે કરેલું વર્ણન એક ફિલ્મ સમાન માનસપટ પર અંકાઇ ગયું હતું.
નીતિન પછી એમી ગોડફ્રી (પારેખ) દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની રચના ‘ફેરવેલ માય ફ્રેન્ડ્સ’નું પઠન કરવામાં આવ્યું હતું.
નીતિનના મોટા ભાઈ રાજે તેમની માતાને સમર્પિત કવિતાના રૂપમાં એક પત્ર વાંચ્યો હતો.
તેમણે પરિવારમાં પુત્રવધૂઓને ઉષ્માસભર આવકાર આપનાર લેડી પ્રમિલાને મુઠ્ઠી ઊંચેરો આત્મા ગણાવ્યો હતો. ડો. નિતિન પારેખે જણાવ્યું હતું કે, 3 દીકરાઓના ઉછેરની વાત હોય કે સંખ્યાબંધ વાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં તેમનું મજબૂત ચારિત્ર્ય ઉજાગર થતું હતું. તમે સઘળાં મારી માતાએ જીવન દરમિયાન નિભાવેલી ગાઢ મિત્રતાના સાક્ષી છો. આ સમારોહમાં મારી માતા માટે મહત્વની હિન્દુ આસ્થા અને તેમનો પરિવાર પ્રતિબિંબિત
થાય છે.
ડો. નિતિન પારેખ બાદ તેમના મોટાભાઇ રાજ પારેખે માતાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે કાવ્ય સ્વરૂપે પત્ર વાંચ્યો હતો. રાજે તેમને પોતે જાણે છે તેવા સૌથી બહાદૂર વ્યક્તિત્વ તરીકે વર્ણવતા ગુજરાત સ્થિત બરોડામાં આનંદી અને પ્રેમાળ પરિવારમાં તેમના ઉછેરના સંસ્મરણો રજૂ કર્યાં હતાં. બરોડામાં જ પોતે ખુશ રહી શકે તેમ હોવા છતાં લેડી પારેખે પોતાના પ્રેમ માટે વિદેશની ધરતી પર લોર્ડ ભીખુ પારેખ સાથે જીવનસંગિની બનીને રહેવાનો સામાજિક બંધનો ફગાવીને સાહસિક નિર્ણય લીધો હતો.
1959માં લંડન ખાતેના લેડી પ્રમિલાના પ્રારંભિક દિવસોને યાદ કરતાં રાજ પારેખે તેમને ભાષા, સંસ્કૃતિ અને એકલતાથી વિચલિત થયાં વિના સાડી પરિધાન કરીને ફરતાં વ્યક્તિ તરીકે વર્ણવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે ભગવાનમાં અપાર શ્રદ્ધાએ તેમને ધીરજ અને દયા સાથે તમામ પડકારોનો સામનો કરવામાં મદદ કરી હતી. તેઓ હલની ઉચ્ચ સુરક્ષા ધરાવતી જેલમાં કેદીઓની મુલાકાત લેતાં કે બ્રિટનમાં સ્થાયી થવા સંઘર્ષ કરી રહેલાં ઇમિગ્રેન્ટ પરિવારોને મદદ કરતાં તેમાં તેમની અપાર શ્રદ્ધા અને નિસ્વાર્થ સ્વભાવે તેમને તમામનો પ્રેમ અને આદર ઉપલબ્ધ કરાવ્યાં હતાં. ઘરમાં સ્થાપિત મંદિરમાં રોજની પૂજા અર્ચના પરિવારની સુખાકારી માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતી હતી.
અંતમાં રાજ પારેખે જણાવ્યું હતું કે, મહાન પત્ની, માતા, મિત્ર અને માર્ગદર્શક – અમે તમને ફરી મળીશું, સાથે મળીને હસીશું, એકબીજાને ભેટીશું અને દુઃખને દૂર હડસેલી દઇશું. પરંતુ ત્યાં સુધી અમારે તમારા સ્મિત, મૃદુ સ્વર, શાંત અને દયાસભર ચહેરાને યાદ કરીને સમયનો પંથ કાપવાનો છે.
રાજ પારેખ બાદ પરિવારના સૌથી નાના પુત્ર અનંત પારેખે માતાને રાતના અંધકારમાં આકાશને દૈદિપ્યમાન કરી દેનારા વિશ્વ જેના પ્રેમમાં પડી જાય તેવા સુંદર પ્રકાશ સાથે સરખાવ્યાં હતાં. ભાઇઓ, પિતા અને પરિવાર વતી બોલતાં અનંત પારેખે માતાને શ્રદ્ધાંજલિ અર્પવા એકઠા થયેલા સમુદાયની પીડાને ઉજાગર કરી હતી. તેમણે માતાના મજાકિયા સ્વભાવને યાદ કરતાં જણાવ્યું હતું કે, કામની ગંભીરાતા અને પત્ની તથા માતા તરીકેની ફરજો છતાં અમારી માતા ખુશમિજાજ સ્વભાવના હતા. તેમની મજાક કરવાની આદત અને સ્મિત સભર સેન્સ ઓફ હ્યુમર આકર્ષિત કરનારી હતી.
અનંત પારેખે સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, ડિમેન્શિયાનો ભોગ બન્યાં છતાં લેડી પારેખે જીવનમાં મજાક કરવાની ક્ષમતા ગુમાવી નહોતી. તેમણે તેમની માતા જે વાસ્તવિકતા સાથે કૃપાસભર જીવન જીવ્યાં, કોઇપણ પીડા વિના ફાની દુનિયાનો ત્યાગ
કર્યો અને દરેકના હૃદય પર અમીટ છાપ છોડી તે માટે આદરભાવના વ્યક્ત કરી હતી.
લોર્ડ ભીખુ પારેખના વિધાન બાદ અંતિમવિધિનું સમાપન કરાયું હતું. તેમણે બહુમતી સમુદાયની ભાષા દ્વારા પોતાની ઓળખનું અર્થઘટન કરવાના ભયસ્થાનોનો ઉલ્લેખ કરતાં મલ્ટી એથનિક સોસાયટીમાં લઘુમતી સમુદાયો સામેના પડકારો અંગે વાત કરી હતી. તેમણે હિન્દુ પૂજારીઓ દ્વારા મૃતકો માટે કરાતા રેસ્ટ ઇન પીસ ઉચ્ચારણને પુનર્જન્મમાં વિશ્વાસ ધરાવતી હિન્દુ આસ્થાથી વિપરિત હોવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે આ ઉદાહરણ દ્વારા લઘુમતી સમુદાયોને તેમની સાંસ્કૃતિક ઓળખની જાળવણીમાં સામનો કરવો પડે છે તેવી જટિલતાઓનો ઉલ્લેખ કર્યો હતો.
ત્યારબાદ લોર્ડ પારેખે તેમના જીવનમાં લેડી પારેખની ભુમિકાને યાદ કરી હતી. લેડી પારેખ સ્થિરતા અને સાતત્યનો સ્ત્રોત હતાં.
લોર્ડ પારેખ હલ સાથે છેલ્લા 35 વર્ષથી સંકળાયેલા હોવા છતાં તેમણે ઘણા વર્ષ વિદેશોમાં વીતાવ્યાં છે અથવા તો વતનથી દૂર હોવા છતાં રાષ્ટ્રીય રાજકારણ સાથે સંકળાયેલા રહ્યાં છે. આવી સ્થિતિમાં સંતાનોને જરૂરી સ્થિરતા લેડી પારેખે આપી અને તેમના ઉછેર અને વિકાસને સુનિશ્ચિત કર્યો હતો.
લોર્ડ પારેખે તેમના પત્નીની સાહસિકતાને પણ વાગોળી હતી. વાઇસ ચાન્સેલર તરીકેના તેમના કાર્યકાળના પડકારજનક સમયમાં લેડી પારેખે તેમને નેતૃત્વમાં અડગ રહેવા પ્રોત્સાહિત કર્યાં હતાં. લેડી પારેખની અંતિમવિધિ હાજર રહેલાં તમામ માટે સંભારણા સમાન બની રહી હતી.


comments powered by Disqus