નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવાર શાબ્દિક હુમલો કર્યો છે. તાજેતરમાં જ યુપીએસસી દ્વારા આપવામાં આવેલી ભરતીની જાહેરાતનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મોદી આ સરકાર ઉચ્ચ પદ પરની ભરતી યુપીએસસીના સ્થાને આરએસએસ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહી છે.
કેન્દ્ર સરકારના વિભિન્ન મંત્રાલયોમાં મહત્ત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી મારફતે ભરતી કરીને ખુલ્લેઆમ એસસી, એસટી અને ઓબીસી વર્ગનો અનામતનો અધિકાર છીનવાઈ રહ્યો છે. કોંગ્રેસી સાંસદે જણાવ્યું હતું કે, મેં હંમેશાં કહ્યું છે કે, ટોચની બ્યૂરોક્રેસી સહિત દેશના તમામ ટોચનાં પદ પર વંચિતોનું પ્રતિનિધિત્વ નથી. તેને સુધારવાના સ્થાને લેટરલ એન્ટ્રીથી તેમને ટોચનાં પદોથી દૂર કરવામાં આવી રહ્યા છે.