આણંદઃ પેટલાદમાં ટૂર-ટ્રાવેલ્સની ઓફિસ ચલાવતાં પતિ, પત્ની અને સાળાએ ત્રણ યુવકને ઇઝરાયેલમાં ખેતીકામ માટે વર્ક વિઝા અપાવવાના બહાને ત્રણ યુવકો પાસેથી રૂ. 18 લાખ ખંખેરી લઈ છેતરપિંડી આચરી હતી. પેટલાદના રંગાઈપુરા ગામે રહેતા સંદીપભાઈ મહેશભાઈ પંચાલનો સંપર્ક શ્રીરામ ટૂર્સ ટ્રાવેલ્સ ચલાવતા હસમુખ વાલજી પરમાર, તેમની પત્ની જાસ્મિન અને તેમનો સાળા ભાવિન જાદવ સાથે થયો હતો, જેમણે ઇઝરાયેલમાં 63 મહિના ખેતીકામ માટેના વર્ક વિઝા આપવાનું કામ કહેતાં સંદીપ તેમજ તેમના પિતરાઈ પ્રતીક મળવા ગયા હતા. દરમિયાન હસમુખે તેઓ પોતે ઇઝરાયેલ જઈને કામ કરવાના મહિને રૂ. 1.25 લાખ મળવાના હોવાનું જણાવ્યું હતું. આ કામપેઠે ઓફર લેટર, ટીકીટ, વિઝા ફી સહિતનો ખર્ચ વ્યક્તિદીઠ રૂ. 4.50 લાખ થવાનું જણાવ્યું હતું. સંદીપભાઈ ઉપરાંત તેમના પિતરાઈ પ્રતીક પંચાલ તથા ઘનશ્યામ પંચાલે તેમને કામગીરી સોંપી રૂ. 18 લાખ આપ્યા હતા.