નવી દિલ્હીઃ દિલ્હી એઇમ્સમાં સેવા આપી રહેલા એક 33 વર્ષીય રાજકોટના રહેવાસી ન્યૂરોસર્જન રાજ ધોનિયાએ રવિવારે આત્મહત્યા કરી લીધી. રાજને દિલ્હીની એઇમ્સમાં ટ્રોમા સેન્ટરમાં તહેનાત કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ન્યૂરોસર્જનના ઘર પરથી સીરિંજ મળી આવી છે. રાજ ધોનિયાએ દવાઓનો ઓવર ડોઝ લઈને આ પગલું ભર્યું હોવાની શંકા છે. ઘટનાસ્થળેથી રાજે લખેલી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જો કે રાજે આત્મહત્યા પાછળ કોઈને પણ| જવાબદાર ઠેરવ્યા નથી.
રવિવારે બપોરે બે વાગ્યે કૌઝ ખાતે પોલીસ સ્ટેશને ફોન આવ્યો હતો અને આ સમગ્ર ઘટના અંગે જાણ કરાઈ હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર રાજના તેમનાં પત્ની સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યા હતા અને આ કારણે જ ડોક્ટર દ્વારા અંતિમ પગલું ભરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.