સુરતઃ તહેવારોના દેશ ભારતમાં તહેવારની ઉજવણી દરેક પ્રાંતમાં પોતપોતાની રીતે કરવામાં આવે છે. જેમાં મૂળ સુરતીઓ દ્વારા 86 વર્ષ પહેલાં બળેવના દિવસે બનેલી દુર્ઘટનાના કારણે વાસી બળેવ ઊજવે છે. તો સમીના ગોધાણામાં ભાદરવા સુદ તેરસે બળેવ ઊજવવાનો રિવાજ છે.
સુરતમાં 86 વર્ષ પહેલાં એટલે કે 12 ઓગસ્ટ 1938એ રક્ષાબંધનના દિવસે એક હોડી દુર્ઘટના બની હતી. બળેવ બાદ હોડીમાં ફરવા જતી વખતે સુરત કોટ વિસ્તારના મૂળ સુરતી ગણાતી જ્ઞાતિના લોકોનાં મોત થયાં હતાં, તેથી સુરતીઓ આજે પણ વાસી બળેવની ઉજવણી કરવાનું પસંદ કરે છે. હાલમાં મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મૌઢ વણિકની વસ્તી ઘટી રહી છે અને સુરતમાં હવે તેઓ લઘુમતીમાં છે. છતાં આ પરંપરા યથાવત્ જોવા મળે છે.
સમીના ગોધાણામાં 200 વર્ષથી બહેનો ભાઈને રક્ષાબંધને નહીં પણ 28 દિવસ પછી ભાદરવા સુદ તેરસે ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે. લોકકથા મુજબ પહેલા ગામમાં રક્ષાબંધનના દિવસે શ્રીફળ લેવાની હરીફાઈમાં યુવાનો તળાવમાં ડૂબકી લગાવતા હતા, જેમાં કેટલાક યુવાનોનાં મોત થતાં હોવાથી રક્ષાબંધનની ઉજવણી 28 દિવસ પછી ભાદરવા સુદ તેરસે થાય છે.