યુએસમાં સગીરના આડેધડ ફાયરિંગમાં વડોદરાના યુવાન મૈનાંક પટેલનું મોત

Wednesday 21st August 2024 06:20 EDT
 
 

વડોદરાઃ મૂળ વડોદરાના અને છેલ્લાં 18 વર્ષથી અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્થાયી થયેલા મૈનાંક પટેલનું ત્રણ દિવસ પહેલાં અમેરિકાના સેલબરીમાં સગીરે આડેધડ ગોળીબાર કરતાં મોત થયું હતું. ગોળીબાર થતો હતો ત્યારે પત્ની તેને બચાવવા દોડી હતી, પરંતુ મૈનાંક બચી શક્યો નહોતો. મૈનાંક 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતો અને ગેસ સ્ટેશનના સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.
મૃતક મૈનાંક પટેલના વડોદરામાં રહેતાં બહેન આરોહી પટેલે જણાવ્યું હતું કે, મારો ભાઈ મૈનાંક બેચલરના વધુ અભ્યાસ માટે 2007માં અમેરિકા ગયો હતો અને ત્યાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી ત્યાં જ સ્થાયી થઈ ગયો હતો. 13 ઓગસ્ટે મંગળવારે તેના પર એક સગીરે ગોળીબાર કર્યો હતો. આ સમયે મારાં ભાભી ગેસ સ્ટેશનની બહાર હતાં. ગોળીનો અવાજ સાંભળીને મારાં ભાભી દોડી ગયાં હતાં. મારા ભાઇને તરત હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું શુક્રવારે મૃત્યુ
થયું હતું.
મૈનાંકને અનેક ગોળીઓ મારી હતી
13 ઓગસ્ટે સવારે સ્ટોરમાં આવેલા બુકાનીધારીએ લૂંટના ઇરાદે પોતાની પાસે રહેલી બંદૂકથી મૈનાંક પર આડેધડ ગોળીઓ વરસાવી હતી અને ભાગી છૂટ્યો હતો. ફાયરિંગમાં અનેક ગોળીઓ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા મૈનાંકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, પરંતુ અનેક ગોળીથી ઘાયલ થયેલા મૈનાંકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
અમેરિકન પોલીસ આરોપીને ઝડપી લીધો
મૈનાંક પટેલને સ્થાનિક પોલીસે ગન રાખવા માટે સૂચના આપી હતી, જેથી સ્ટોર પર મૈનાંક પણ ગન રાખતો હતો. સ્ટોર પર લૂંટના ઇરાદે આવેલા સગીરે ગન બતાવતાં મૈનાંકે પણ ગન કાઢી હતી, પરંતુ એ પહેલાં જ સગીરે ધડાધડ ગોળીઓ વરસાવી હતી અને મૈનાંક ત્યાં જ ઢળી પડ્યો હતો. સ્થાનિક રોવાન કાઉન્ટી પોલીસે સ્ટોરમાં લગાવેલા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક શ્વેત બુકાનીધારી કાળાં કપડાંમાં ભાગતો દેખાયો હતો. પોલીસે તેની ઓળખ કરી રાત્રેના 8.30 વાગ્યે તેને ઝડપી લીધો હતો.
રોવાન કાઉન્ટી શેરિફના જણાવ્યા મુજબ આ ગુના માટે કિશોરને મંગળવારની સાંજે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આરોપી યુવક કિશોર વયનો હોવાથી તેનું નામ જાહેર કરાયું ન હતું. મૈનાંક પટેલ તેમની પાછળ ગર્ભવતી પત્ની અમી અને તેમની 5 વર્ષની પુત્રીને વિલાપ કરતાં છોડી ગયા છે.


comments powered by Disqus