ગાંધીનગરઃ ગુજરાતના સિંહની વાત આવે એટલે લોકોના મોઢે સૌથી પહેલું નામ સાસણ જ હોય, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યા વધીને ડબલ થઈ જતાં હવે ભાવનગરના 9 તાલુકામાં 73 સિંહ જોવા મળી રહ્યા છે. આ કારણે સાસણ અને આંબરડી બાદ હવે ભાવનગરમાં પણ લાયન સફારી પાર્ક બનાવવાના પ્રયાસ શરૂ થયા છે.
પાલિતાણા નાયબ વનસંરક્ષકની કચેરીએ કલેક્ટર કચેરીને પત્ર લખી પાલિતાણા અને મહુવાનાં 8 ગામ પૈકી કોઈપણ એક ગામમાં 200 હેક્ટર જમીન સફારી પાર્ક માટે ફાળવવા પત્ર લખતાં હાલ આ દિશામાં કાર્યવાહી શરૂ કરાઈ છે. ભાવનગરના ડીસીએફ સાદિક મુજાવરે જણાવ્યું કે, વર્ષ 2020ની વસ્તીગણતરી પ્રમાણે રાજ્યમાં સિંહની સંખ્યા 674 જોવા મળી છે, જે પૈકી 73 સિંહ ભાવનગરના જમીન વિસ્તારમાં અને કોસ્ટલ એરિયામાં વિચરણ કરે છે.
વર્ષ 2015માં ભાવનગરમાં સિંહની સંખ્યા 37 હતી, જે પાંચ વર્ષમાં વધીને ડબલ થઈ ગઈ છે અને હાલ 9 તાલુકામાં 73 સિંહનો વસવાટ છે. ભાવનગરમાં જંગલ વિસ્તાર 185.41 સ્કવેર કિ.મી. છે અને તેમાં સિંહ ઉપરાંત દીપડા, નીલગાય, ચિતલ, ભુંડ અને ચિંકારા સહિતનાં પ્રાણીઓ પણ મોટા પ્રમાણમાં રહે છે. ભાવનગરમાં આવેલો જંગલ વિસ્તાર બૃહદ ગીર તરીકે ઓળખાય છે અને અહીંની આબોહવા સિંહને માફક આવતી હોઈ સિંહની સંખ્યા સતત વધી રહી છે.
ભાવનગર જિલ્લામાં સિંહના 15 કોરિડોર છે, જે વિસ્તારમાં સિંહનું સતત વિચરણ જોવા મળી રહ્યું છે. તો ડીસીએફ (પાલિતાણા) જયંત પટેલે જણાવ્યું હતું કે, સફારી પાર્ક માટે પાલિતાણા અને મહુવા તાલુકાનાં 8 ગામની પસંદગી કરાઈ છે તે ગામ પૈકી કોઈ એક ગામમાં સફારી પાર્ક માટે 200 હેક્ટર જમીનની માગણી કલેક્ટર કચેરી પાસે કરાઈ છે.
ભાવનગરમાં સફારી પાર્ક ઊભો કરવામાં આવતાં પર્યટકો માટે એક નવું પર્યટન સ્થળ તો ઊભું થશે જ, સાથોસાથ સ્થાનિકોને રોજગારી માટે પણ એક નવો અવસર ઊભો થશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ગુજરાતમાં નવાં પર્યટન સ્થળ ઊભાં કરીને રાજ્યને ટૂરિઝમ ક્ષેત્રે નવા મુકામ પર લઈ જઈ રહી છે.