લંડનઃ હરિયાણાના કરનાલ શહેરની ભારતીય વિદ્યાર્થિની અદિતિ આનંદને પ્રતિષ્ઠિત વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ (V&A) મ્યુઝિયમના 2024ના ઈલસ્ટ્રેશન એવોર્ડની ઈમર્જિંગ ઈલસ્ટ્રેટર કેટેગરીમાં વિજેતા ઘોષિત કરાઈ છે. અદિતિએ આ સમરમાં જ કેમ્બ્રિજમાં એન્જલિઆ રસ્કિન યુનિવર્સિટી (ARU)માંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ભારતના ફૂલબજારોથી પ્રેરિત ‘મેરીગોલ્ડ્સ’ (ગલગોટાના ફૂલ) ચિત્ર માટે 2,000 એન્ટ્રીઝમાંથી વિજેતા થવા માટે 25 વર્ષીય અદિતિને 3,000 પાઉન્ડનું ઈનામ અપાયું છે.
વિજેતા ઈલસ્ટ્રેશન્સમાં માતા તેની દીકરીને વેચાણ કરવા માટે ગલગોટાનો હાર બનાવવાનું શીખવે છે તેની કથા છે. જજીસને ગલગોટાના ફૂલોની આકર્ષક સુંદરતા અને ફૂલ વેચનારાની ખરાબ કામકાજી પરિસ્થિતિ અને બાળમજૂરીની વાસ્તવિકતાનો વિરોધાભાસ દર્શાવવા રંગપૂરણીનો ઉપયોગ ગમ્યો હતો. અદિતિનું ચિત્ર ‘મેરીગોલ્ડ્સ’ આગામી વર્ષના સપ્ટેમ્બર મહિના સુધી લંડનમાં V&A ડિઝાઈન મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયું છે.
ARUમાં ચિલ્ડ્રન્સ બુક ઈલસ્ટ્રેશનમાં માસ્ટર્સની ડીગ્રી મેળવ્યા પછી યુવા કલાકાર તેની કારકીર્દિના આગળના તબક્કામાં જઈ રહી છે. અદિતિ આનંદ કહે છે કે મેરીગોલ્ડ્સ માટે V&A ઈલસ્ટ્રેશન એવોર્ડ જીતવા બદલ હું ભારે રોમાંચ અનુભવું છું. V&A દ્વારા પ્લેટફોર્મ પુરું પાડીને ચિત્રને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરી આ વિષય પ્રત્યે ભારે સન્માનની લાગણી દર્શાવાઈ છે તેનાથી મને ભારે ગૌરવ અનુભવાયું છે. એન્જલિઆ રસ્કિન ખાતે ગણનાપાત્ર ચિલ્ડ્રન્સ બુક ઈલસ્ટ્રેશન ટીમ વિના આ સિદ્ધિ શક્ય બની ન હોત. આ માટે હું મારાં ટ્યુટર્સ અને વડેરાઓના સપોર્ટની આભારી છું.’ કોમર્સ અને બિઝનેસમાં બેચલર્સ ડીગ્રી માટે થોડા અભ્યાસ પછી દિશા બદલવામાં અદિતિને કોઈ રંજ થતો નથી. ક્ષેત્ર બદલવાનો નિર્ણય તેના માટે શ્રેષ્ઠ નિર્ણય હોવાનું તે માને છે.