રાજપીપળાઃ દેશનાં રજવાડાંને એક કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બન્યા પછી હવે કેવડિયામાં મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા (મોરકી)નું નિર્માણ થવા જઈ રહ્યું છે. અંદાજે રૂ. 260 કરોડના ખર્ચે આકાર લેનારા મ્યુઝિયમનું 31 ઓક્ટોબરે સરદાર જયંતી ‘એકતા દિવસે’ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરાશે. ભારતની આઝાદી સમયે 562 રાજવી પરિવારોના બલિદાન અને ત્યાગની થીમ પરનું મ્યુઝિયમ 2 વર્ષે તૈયાર થશે.
કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે અવનવા પ્રોજેક્ટ કેવડિયા તથા આસપાસના વિસ્તારમાં આવી રહ્યા છે. 4 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગ્ડમ્સ બનાવવાની જાહેરાત કરી હતી. કેવડિયા પાસે નર્મદા નદીના કિનારે 15 એકરથી વધારે જગ્યામાં આ મ્યુઝિયમ આકાર લેશે.
મ્યુઝિયયમાં મુખ્ય 4 ગેલેરી
આ મ્યુઝિયયમાં મુખ્ય 4 ગેલેરી હશે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેશે. જેમાં ગેલેરી-1માં રજવાડાંની સમજ અને વર્ગીકરણ લોકો સમક્ષ રજૂ કરાશે. ગેલેરી-2માં રાજા-મહારાજાઓનું જીવન અને તેમનો વારસો દર્શાવવામાં આવશે, ગેલેરી-3માં ભારતના એકીકરણનો ઇતિહાસ દર્શાવાશે, તો ગેલેરી-4માં રાજાઓના હસ્તાક્ષર કરેલા દસ્તાવેજો લોકો માટે પ્રદર્શિત કરાશે.
ભૂમિપૂજનની તૈયારી
31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા દિવસની ઉજવણી કરાશે, ત્યારે મ્યુઝિયમના ભૂમિપૂજન કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે મ્યુઝિયમ માટે 2021માં એક કમિટી બનાવી હતી. કમિટીના સભ્યોએ અલગ-અલગ રાજ્યોની મુલાકાત પણ લીધી હતી, તેમજ વર્તમાન રાજ પરિવારોના મત અને સૂચન લેવાયાં હતાં. અત્યાર સુધી દિલ્હી, વડોદરા, રાજકોટ, રાજસ્થાન, મૈસૂર સહિત દેશમાં 15 પ્રિન્સી સ્ટેટ સાથે કમિટીએ મુલાકાત કરી છે. ખાતમુહૂર્ત સમયે દેશના મહત્તમ રાજ પરિવારો ઉપસ્થિત રહેશે.
વરસાદી પાણીના સંગ્રહ સહિતનું આયોજન
મ્યુઝિયમની ડિઝાઇન અનોખી રીતે તૈયાર કરાઈ છે. મ્યુઝિયમની દીવાલો વિવિધ પાત્રો સાથે ડિઝાઇન કરાશે. પાણીની ચેનલો, ગ્રીનવેઝ અને રિટેન્શન તળાવોનું પણ નિર્માણ કરાશે. આમાં વરસાદી પાણીનો સંગ્રહ મહત્ત્વનું પાસું રહેશે. મ્યુઝિયમની આસપાસનાં વૃક્ષો આંખોને ઠંડક આપશે.
વડાપ્રધાન સરદાર પટેલને પુષ્પાંજલિ આપશે
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સરદાર પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરે વડાપ્રધાન સરદાર પટેલને સવારે 7:30 વાગ્યે પુષ્પાંજલિ આપી 8 વાગ્યે પ્રજાજોગ સંબોધન કરશે. 9:30 વાગ્યે પ્રધાનમંત્રી દિલ્હી રવાના થશે.
સરકારની ટીમો દ્વારા એકતા દિવસની ઉજવણી અને સાથેસાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનેક નવા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત થશે. આ ઉપરાંત નવા પ્રકલ્પોના ભૂમિપૂજનની પણ તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમના આરંભમાં લબાસણા આઇએએસ ટ્રેનિંગ સેન્ટરથી આવેલા 600થી વધુ આઇએએસ અધિકારીઓને પ્રધાનમંત્રી સંબોધન કરશે.
SoUના સીઈઓ ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, અહીં પ્રવાસીઓને આકર્ષવા નવાં-નવાં આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યાં છે. આ સાથે પ્રવાસીઓના રોકાણ માટે પણ અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે. ગતવર્ષે અહીં 50 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા, જે સંખ્યા આ વર્ષે વધવાની પૂરી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે, ત્યારે એક નવા પ્રકલ્પ સૂર્ય ઊર્જા સંચાલિત સોલાર પેનલ પ્રોજેક્ટનું તેમના હસ્તે લોકાર્પણ કરાશે.