આગામી સપ્તાહમાં સમોઆ ખાતે 56 દેશના બનેલા કોમનવેલ્થ સંગઠનનું શિખર સંમેલન આયોજિત થઇ રહ્યું છે. આ માટે કિંગ ચાર્લ્સ 9 દિવસની ઓસ્ટ્રેલિયા અને સમોઆની મુલાકાતે પહોંચી ગયા છે પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ કિંગ ચાર્લ્સને ઓસ્ટ્રેલિયામાંથી જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કિંગ ચાર્લ્સના ઓસ્ટ્રેલિયાની સંસદમાં સંબોધનના તુરંત બાદ ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી એવા સ્વતંત્ર સેનેટર લીડિયા થોર્પેએ કિંગ વિરુદ્ધ નારાબાજી કરીને હુર્રિયો બોલાવ્યો હતો.
બીજા વિશ્વ યુદ્ધે બ્રિટનની કમર તોડી નાખતા ત્યારપછીના 30-40 વર્ષમાં બ્રિટિશ તાબામાં રહેલા મોટા ભાગના દેશ આઝાદ થઇ ગયાં હતાં. જોકે વિશ્વ પર પોતાની પક્કડ જમાવી રાખવા માટે બ્રિટને તેની ગુલામીમાંથી આઝાદ થયેલા દેશો પર કોમનવેલ્થ સંગઠનના નેજા હેઠળ આધિપત્ય જાળવવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે તેના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશ પોતાને પ્રજાસત્તાક જાહેર કરવા તલપાપડ છે.
બ્રિટિશ તાબામાં રહેલા દેશો દ્વારા બ્રિટન પાસેથી હવે ગુલામીના વળતરની માગ પણ કરવામાં આવી રહી છે. બ્રિટિશ સામ્રાજ્યના શાસનકાળમાં અમલી ગુલામી પ્રથાના કારણે ગુજારાયેલા અત્યાચારો માટેના આ વળતર અંગે કોમનવેલ્થ શિખર સંમેલનમાં કિંગ ચાર્લ્સ દ્વારા કોઇ ઉલ્લેખ તો નહીં કરાય પરંતુ સભ્ય દેશો આ મુદ્દો ઉઠાવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
કિંગ ચાર્લ્સ બ્રિટનની ગાદી પર આરૂઢ થયા ત્યારથી કોમનવેલ્થ દેશોમાં સંગઠનને અલવિદા કહેવાનો ગણગણાટ વધી ગયો છે. ભારતમાં બહાદૂરશાહ ઝફર જેમ મોગલ સામ્રાજ્યના છેલ્લા બાદશાહ બની રહ્યાં તેમ કદાચ એવું એવું પણ બને કે કિંગ ચાર્લ્સ કોમનવેલ્થ સંગઠનના અંતિમ વડા બની રહે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોમનવેલ્થ સંગઠન હવે જરીપુરાણું થઇ ચૂક્યું છે. તેને સંકોચાઇ ગયેલા બ્રિટિશ સામ્રાજ્યના લાભ માટે જ જારી રાખવાનો કોઇ અર્થ નથી. એ વાતનો કોઇ ઇનકાર થઇ શકે તેમ નથી કે કોમનવેલ્થના કારણે બ્રિટન અને તેની પૂર્વ કોલોનીઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા રાખવામાં કેટલીક મદદ હાંસલ થઇ છે પરંતુ આજના 21મી સદીના આધુનિક, સ્વતંત્ર વિશ્વમાં કોમનવેલ્થનું અસ્તિત્વ અર્થવિહિન છે. બ્રિટને ભવિષ્ય તરફ મીટ માંડીને કોમનવેલ્થને વિખેરી નાખવું જોઇએ.