જેરુસલેમઃ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ દાવો કર્યો છે કે, તેમણે હમાસના ત્રણ મહત્ત્વના નેતાને ઠાર કર્યા છે. જેમાં હમાસનો વડો યાહ્યા સિનવાર પણ ઠાર થયો છે. ઈરાનમાં હાનિયાની હત્યા પછી સિનવારને હમાસની પોલિટિકલ વિંગનો પ્રમુખ બનાવાયો હતો. સિનવારને ઇઝરાયલ પર 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે.
નેતન્યાહૂના ઘર પર હુમલો
સિનવારના મૃત્યુથી અકળાઈ ઊઠેલા લેબનોન સંગઠન હિઝબુલ્લાએ શનિવારે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના ખાનગી આવાસને નિશાન બનાવ્યું હતું. જો કે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
બેન્ક પર સ્ટ્રાઈક
ઇઝરાયલી દળોએ રવિવારે રાત્રે લેબનનમાં હિઝબુલ્લાહ સાથે સંકળાયેલી બેન્કોને નિશાન બનાવી હતી. ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર અલ-કર્દ અલ-હસન એસો. હિઝબુલ્લાહના સભ્યોને વ્યાજમુક્ત લોન અને પગાર આપે છે. સમગ્ર લેબનોનમાં એની 31 શાખા છે. જે પૈકી 30 સ્થળે ઇઝરાયલે રવિવારે એર સ્ટ્રાઇક કરી હતી.
છૂપો ખજાનો મળ્યો
ઇઝરાયલે રવિવારે લેબનોન પર મિસાઇલમારો કરી તેની અર્થવ્યવસ્થાને ભાંગી નાખી છે. ઇઝરાયલે સોમવારે દાવો કર્યો છે કે, તેની સેના હિઝબુલ્લાહનાં એવાં ઠેકાણાં પર પહોંચી ગઈ છે, જ્યાં 500 મિલિયન ડોલરની રોકડ અને સોનું છુપાવાયું છે. આ ખુલાસો રવિવારે રાત્રે ઇઝરાયલી એરફોર્સ દ્વારા કરાયો છે.