ગુજરાતીઓ રૂ. 500 કરોડ ખર્ચીને દિવાળી વેકેશનમાં દેશ-વિદેશ ફરવા જશે

Wednesday 23rd October 2024 05:15 EDT
 
 

અમદાવાદઃ દિવાળીની રજાને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના વેકેશનમાં દેશ-વિદેશમાં ફરવા માટે ત્રણ મહિના અગાઉથી જ ગુજરાતીઓએ ટૂર પેકેજ બુક કરાવવાનું શરૂ કરી દીધું હતું.
હાલ સ્થિતિ એવી છે કે, છેલ્લી ઘડીએ ફરવા જવાનું આયોજન કરનારા લોકોને સામાન્ય દિવસો કરતાં ચાર ગણું વધારે એરફેર અને ટ્રેનોમાં 500 જેટલા વેઇટિંગના ચક્રવ્યૂહથી પસાર થવું પડશે. એક અંદાજ મુજબ ગુજરાતીઓ દિવાળીના વેકેશનમાં ફરવા જવા રૂ. 500 કરોડ ખર્ચશે. ગુજરાતમાં કોરોના દરમિયાન 2020થી 2022 દરમિયાન ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી લગભગ ઠપ થઈ હતી, પરંતુ છેલ્લાં 3 વર્ષથી તેમાં પ્રાણ ફુંકાવાનું શરૂ થયું છે.
ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીના દાવા અનુસાર ગુજરાતીઓ ફરવા જવાના ટૂર પેકેજ પાછળ ઉનાળાના વેકેશનમાં અંદાજે રૂ. 400 કરોડ તો દિવાળીના વેકેશનમાં રૂ. 500 કરોડથી વધુ ખર્ચી કાઢે છે.
જેમાં મોટો વર્ગ એવો પણ છે જે ડોમેસ્ટિક કરતાં ઇન્ટરનેશનલ ટૂર વધારે પસંદ કરી રહ્યો છે. આ વખતે પણ દુબઈ, અબુધાબી, સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ, ફુકેટ, વિયેતનામ, શ્રીલંકા જેવા સ્થળનાં પેકેજ પર વધારે પસંદગી ઉતારે છે. માલદીવ્સ સાથેના વિવાદને પગલે છેલ્લા કેટલાક સમયથી તેની ઇન્કવાયરીમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ભારત-માલદીવ્સ સાથેના સંબંધ ફરી પાટા પર આવતાં તેની ઇન્કવાયરી પણ ધીરેધીરે વધી રહી છે. વિદેશમાં ફરવા માટેનાં પેકેજ પ્રતિ વ્યક્તિએ અંદાજે રૂ. 80 હજારથી શરૂ થાય છે.


comments powered by Disqus