કઝાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા મંગળવારે રશિયાના કઝાન શહેરમાં પહોંચ્યા હતા. અહીં તેઓ 23 ઓક્ટોબરે બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. અહીં તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું, ‘અમારા સંબંધો એટલા સારા છે કે અમે ટ્રાન્સલેટર વિના એકબીજાને સમજી શકીએ છીએ.’ આ સાથે જ વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધ પર ભારતનું સ્ટેન્ડ જાળવી રાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘દરેક સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ.’ 4 મહિનામાં પીએમ મોદીની આ બીજી રશિયા મુલાકાત છે.
અગાઉ તેઓ જુલાઈમાં મોસ્કો આવ્યા હતા, ત્યારે ખુદ પુતિને તેમનું ક્રેમલિનમાં સ્વાગત કર્યું હતું.
આ દરમિયાન અટકળ લગાવાઈ રહી હતી કે, બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે અલગથી દ્વિપક્ષીય મુલાકાત કરી શકે છે, જે અંગે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મસરી દ્વારા પુષ્ટિ કરવામાં
આવી હતી.
ભારત દુનિયાભરના પ્રશ્નો ઉકેલવા સક્ષમ
પુતિને વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ પૂર્વે ભારતના વિસ્તરી રહેલા અર્થતંત્ર અને નેતૃત્વના વખાણ કરતાં કહ્યું છે કે, ભારત દુનિયાના પ્રશ્નોનો ઉકેલવાની ક્ષમતા ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પ્રભાવ છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે પુતિને કહ્યું કે, રશિયાએ હંમેશાં મધ્ય-પૂર્વના ઘર્ષણમાં યુએનની ટુ સ્ટેટ થિયરીનું સમર્થન કર્યું છે. અમે આજે પણ આ વાત પર કાયમ છીએ. બ્રિક્સ અંગે સવાલના જવાબમાં પુતિને કહ્યું હતું કે, બ્રિક્સ પશ્ચિમ વિરોધી નથી પણ એક એવું સંગઠન છે કે જેમાં પશ્ચિમના દેશો નથી.