અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની 1988માં ધ્વજવંદન કાર્યક્રમમાં જ પિસ્તોલથી ગોળીઓ ધરબી જાહેરમાં હત્યા કરવાના કેસમાં ટાડા એકટ હેઠળ જન્મટીપની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)ને 2018માં સજામાફી આપવાના સરકારના નિર્ણયને પડકારતી રિટમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, પૂર્વ જેલ એડીજીપી ટી.એસ. બિષ્ટ અને અનિરુદ્ધસિંહ જાડેજાને નોટિસ ઇશ્યૂ કરી વધુ સુનાવણી 28ી ઓક્ટોબરના રોજ રાખી છે.
પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં વહેલા મુક્ત કરવા સરકારના વિવાદિત નિર્ણયને પડકારતી રિટમાં એવી રજૂઆત કરાઈ હતી કે, 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખાયો હતો અને તેના આધારે જાડેજાને સજા માફી આપી દેવાઈ હતી.
જેની પાછળ એવું કારણ અપાયું હતું કે, જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વિના ખોટી રીતે નિર્ણય લેવાયો છે, તેથી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરી બાકી સજા ભોગવવા જેલમાં પરત મોકલવા જોઈએ.
અરજદાર દ્વારા અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, હત્યાના ઉપરોક્ત બનાવ બાદ તેમના પરિવાર દ્વારા પોતાની તમામ મિલકત વેચીને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અનિરુદ્ધસિંહ અને નિલેશ નામના આરોપીને ટાડા એક્ટ હેઠળ ધરપકડ કરી ટ્રાયલ ચાલ્યો હતો, જેમાં મહત્ત્વના સાક્ષીઓ ફરી જતાં બંને આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા.