પંદરમી ઓગસ્ટ? ના.
1947 નું આઝાદી વર્ષ? ના.
દેશ આખો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો, 200 વર્ષના ક્રાંતિ અને અસહકારના રણસંગ્રામ પછી, બ્રિટિશ સરકારે ભારતીય સ્વાધીનતા ઘોષિત કરી હતી. લાલ કિલ્લા પરથી યુનિયન જેક ઉતારીને ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ધ્વજારોહણ કર્યું, અને વિશ્વમાં એક વધુ દેશ સ્વતંત્ર, સાર્વભૌમ બન્યો. એક નહીં બે. ભારતના વિભાજનના કારણે ભારત અને પાકિસ્તાન એમ બે દેશોનું અસ્તિત્વ આરંભાયુ.
..પણ તે દિવસે સૌરાષ્ટ્રના કેટલાક રજવાડામાં આઝાદીનો ઉત્સવ શક્ય ના બન્યો, તેમાં જુનાગઢ, સરદારગઢ, બાંટવા, બાબરિયાવાડ, માંગરોળ સામેલ હતા. આમ તો એકબીજાની સાથે જોડાયેલી રિયાસતો હતી. જૂનાગઢના નવાબે પોતાનું રાજ્ય ભારતને બદલે પાકિસ્તાનની સાથે જોડવાનો નિર્ણય લીધો એટ્લે પરિસ્થિતી ગંભીર બની. દલીલ તો એ પણ કરવામાં આવી કે અમારી રિયાસત સમુદ્ર માર્ગે પાકિસ્તાનની સાથે સંબંધ રાખશે.
જુનાગઢની સાથે જ માણાવદરના નવાબે પણ તેવો નિર્ણય લીધો. ખરી વાત એ છે કે આ નવાબો પોતાની નિર્ણયશક્તિ ધરાવતા નહોતા. તેમની આસપાસ દરબારીઓ કહે તેમ કરતાં. જૂનાગઢનાં નવાબનો ખાસ સલાહકાર એક અબ્રાહાની હતો, ને બીજો દીવાન શાહનવાઝ ખાન. (પછીથી તેના વારસદાર ઝૂલ્ફ્રીકાર અલી પાકિસ્તાનનાં વડાપ્રધાન બન્યા, અને ફાંસી મળી. તેની દીકરી બેનઝીરના નસીબે પણ મોત મળ્યું. ભાગલા પછી એક જૂનાગઢવાસી કરાચી ગયા ત્યારે માણાવદરના નવાબના વંશજોને મળવા ગયા હતા. જેમણે પોતાના રજવાડામાં ભવ્ય ક્રિકેટનું મેદાન બનાવ્યું હતું, શાનદાર પીચ પીઆર ખ્યાત ક્રિકેટરો રમવા આવતા. તે કરાચીની શેરીમાં બાલબચ્ચા સાથે ક્રિકેટ રમી રહ્યો હતો...જૂનાગઢનાં નવાબના વંશજો પણ ભારતમાં ના જોડાવાની જીદને ભૂલ માનતા થયા. પણ હવે શું?
આ નવાબોની દાસ્તાન અજબ છે. જૂનાગઢનાં નવાબ મહાવત ખાન હતા તો પ્રજા-પ્રેમી. ગિરનારના પગથીયાનું નિર્માણ તેમના સમયે થયું હતું, એક નાટક શાળા બનાવી અને પોતે નાટકમાં ભાગ ભજવતા. તે સમયની દેશી નાટક મંડળીઓને સહાય કરતાં. સૌરાષ્ટ્રને કાઠિયાવાડ કહેવાતું. 13 સલામી રાજ્યો, 329 તાલુકદારો, 100 મર્યાદિત હકૂમતદારો, આટલી અધધ રિયાસતો હતી. એક રજવાડાની વાર્ષિક આવક 3000 રૂપિયા હતી. જૂનાગઢને “જોરતલબી” વસૂલાતનો હક્ક હતો (આ જોરતલબી નામે ગુણવંતરાય આચાર્યની એક નવલકથા પણ છે!) એટ્લે નવાબને 92, 421 રૂપિયાની આવક હતી, તેમાથી તે બ્રિટિશ સરકાર અને ગાયકવાડને ખંડણી ભરવી પડે. જૂનાગઢનું ક્ષેત્રફળ 3049 ચોરસ માઈલનું, પણ બીજા સંકલિત રજવાડાનો ઉમેરો કરો તો 3873 માઈલ થાય.
શાહનવાઝ ખાને પાકિસ્તાન-નિર્માતા મોહમ્મદઅલી, ઝીણાની સાથે મસલત કરી એટ્લે નવાબે 15 ઓગસ્ટ , 1947ના ગેઝેટ બહાર પાડીને પાકિસ્તાનની સાથે વિલય જાહેર કર્યો. અહી હિન્દુ વસતિ 5,34,321ની, મુસ્લિમોની 1,27,814, જૈન 8077,ઈસાઈ 282, પારસી 66, શીખ 36, યહૂદી 14, અને એક બૌદ્ધ, 1876થી બાબી રાજ્ય હતું. વિચિત્ર દિમાગનો છેલ્લો નવાબ. શ્વાનવિવાહનો શોખીન. તે દિવસે જાહેર ઉત્સવ મનાવે. તેની શાદીની કથાઓ લોકોમાં જાણીતી હતી. પહેલી બીબી ભોપાલની મુનવ્વર જહાં હતી. “ભોપાલવાલી બેગમ” નું નામ પડે ને સ્ટાફ ડરે એવો દબદબો. સુરવાલ, સદરો, અચકનનો મર્દ પોશાક પહેરીને સિગરેટનો દમ ફૂંકે. તેનો એક પુત્ર દિલવારખાન પાકિસ્તાનમાં સિંધનો ગવર્નર બન્યો હતો. બીજી બેગમ જુનાગઢવાલી બેગમ, ત્રીજી આરબ બેટી. ચોથી હબસી જમાદારની પુત્રી મોતી બુ. આ શ્યામવર્ણી બેગમને નવાબે તલાક આપ્યા તે જૂનાગઢનાં રસ્તાઓ પર ભીખ માગતી થઈ ગઈ. ભોપાલવાલીનો દમામ ઓછો કરવા દરબારીઓએ ઉત્તર પ્રદેશમાંથી એક દુલ્હન શોધી કાઢી, પણ તે વધુ જીવી નહિ. ક્ષય રોગથી મોત પામી. છઠી શાદી કુતિયાણાવાલી બેગમથી થઈ. શકીનાબાનુ બેગમની એક ફોઇએ તેની બેટી અમન સાથે શાદી ગોઠવી, તેનાથી નવાબને ત્રણ બેટી મળી. આઠમી શાદી મલેકજહાન સાથે, કુતિયાણા બેગમની બહેનની સાથે નવમી શાદી. એ પછી વારો સઇદાબાનુ નો. સત્તાવીસ વર્ષમાં 10 શાદી અને 19 સંતાનો ... આજે તેના વારસદારો પાકિસ્તાનમાં કયાઁ હશે?
ભારતીય સંઘ સાથે તમામને જોડી દેવાનો અથાગ પ્રયાસ સરદાર વલ્લભભાઇએ કર્યો તેનું વર્ણન તેમના સચિવ વી.પી.મેનનના દળદાર ગ્રંથમાં મળે છે. જામ-જુથ અને રાજ-મંડળ” જેવી તરંગી યોજના સરદારે સ્વીકારી નહિ. 222 રજવાડા 1947 સુધીમાં ભારતમાં જોડાઈ ગયા. જૂનાગઢમાં પ્રજા મંડળ સ્ક્રીય બન્યું. ઢેબર ભાઈ અને મેનન નવાબને સમજાવવા આવ્યા પણ નિષ્ફળ જ્ઞ. 21 ઓગસ્ટના મુંબઈમાં સમ્મેલન થયું. કનૈયાલાલ મુનશીએ આરઝી હકુમતનું બંધારણ ઘડી આપ્યું. બે પત્રકારો શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠનું નેતૃત્વ મળ્યું. જુનાગઢ અને માણાવદરમાઠી હિજરત શરૂ થઈ. 24 ઓગસ્ટે કરાચીમાં પાકિસ્તાન સરકારની સાથે કરાર જાહેર થયા. કાશ્મીરમાં ખેલ પાડવા જુનાગઢ-માણાવદરનો મુદ્દો આગળ ધર્યો. આજે પણ તે ચાલુ છે. પાકિસ્તાનનાં નકશામાં વિવાદાસ્પદ પ્રદેશોમાં આ ત્રણેનો નામજોગ નિર્દેશ કરવામાં આવે છે. કરાચીમાં એકત્રિત એક બેઠકમાં જુનાગઢ-માણાવદરને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરવાનો ઠરાવ પણ થયો. 23 સપ્ટેમ્બરે આરઝી હકૂમત (જે નેતાજી સુભાષ ચંદ્રની 1943ની આરઝી હૂકુમત એ હિન્દના નકશાને અનુસરતી હતી) 30000 નાગરિકોની હાજરીમાં જુનાગઢ મુક્તિ માટે આગળ વધી. રાજકોટ તેની મુખ્ય મથક હતું. સૌરાષ્ટ્ર ભૂગર્ભ રેડિયો અને એકપછી એક ગામો પર કબ્જો શરૂ થયો.
અમરાપુર, દેવગામ, વાઘણીયા, ભડુલા, પાજોદ, બાંટવા, બાબરિયાવાડ, કુતિયાણા, ભેસાણ વગેરે મુક્તિ સ્થાનો બન્યા. જુનાગઢ નવાબ 24 ઓક્ટોબર 1947 ના કેશોદ થઈને કરાચી ભાગી ગયો. 9 નવેમ્બર, 1947ના જુનાગઢ મુક્ત થયું. એ પહેલા 22 ઓકટોબરે માણાવદર નવાબે પાકિસ્તાનનો રસ્તો પકડ્યો. આ નાનકડા નગરે હમણાં 22 ઓકટોબરે તેમનો 76 મો મુક્તિદિવસ ઉજવ્યો. આજે આ ઘટના નાની લાગે, પણ 1947માં તે કેવી નિર્ણાયક હતી તે વિચારીએ તો તેની સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનના એક એક છેડા પર નાનકડી તખતી પ્રતિક્ષા કરે છે કે ક્યારે પ્રજા , સમાજ અને સરકાર સાથે મળીને એ ઐતિહાસિક ઘટનાનું ભવ્ય સ્મારક બનાવશે?