ઓમ શક્તિ સેન્ટર અને નવનાત વણિક એસોસિએશનના સહયોગથી નોર્થ લંડનના હેરો લેઝર સેન્ટરમાં દિવાળીની ઉજવણી ‘મેરે રામ ઘર આયે હૈં’ નાટકની પ્રસ્તુતિથી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સેન્ટરના સભ્યો, નવનાતના અગ્રણીઓ અને મહેમાનોની હાજરીથી હોલમાં આનંદોત્સવનો માહોલ જામ્યો હતો. ૪૩ જેટલા કલાકારોએ ભાગ લઇ ભજવેલ આ નાટકની ભવ્યતા સૌના દિલને સ્પર્શી ગઇ હતી. આ નાટકના દિગ્દર્શક જાણીતા કલાકાર કલ્પનાબહેન ભટ્ટ હતાં. સ્ટેજની સજાવટ, દ્રશ્યો મુજબના બેકગ્રાઉન્ડ તેમજ રંગબેરંગી કોસ્ચયુમ્સ વગેરે ધ્યાનાકર્ષક રહ્યાં.
ભગવાન શ્રી રામનો જન્મોત્સવ, રામનો લગ્નોત્સવ, રામના રાજ્યાભિષેક વેળા રાણી કૈકેયીને દાસી મંથરાની ચડવણી- રામને ચૌદ વરસ વનવાસ અને ભરતને રાજગાદીના વરદાનની માગણી, સીતા હરણ, રામ ભક્ત શબરીની ઝૂંપડીમાં રામ-લક્ષ્મણ-સીતાની પધરામણી, શબરીના એંઠા બોરનું ભોજન, રામ-રાવણ યુધ્ધ અને છેલ્લે ૧૪ વરસનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા નગરીમાં રામ-સીતા-લક્ષ્મણના આગમનને વધાવતા નગરજનોમાં અતિ ઉત્સાહ-ઉમંગની લાગણીનો આનંદોત્સવ...એ શુભ દિન એજ આપણી દિવાળી...
આમ સંવેદનાથી સભર વિવિધ દ્રશ્યોની ગૂંથણી ખૂબ જ સરસ રીતે કરવામાં કલ્પનાબહેનની કલાત્મક દ્રષ્ટિ કપ લઇ જાય તેવી હતી.
‘નમો નમો શંકરા...’નૃત્યથી નાટકનો શુભારંભ થયો હતો. રામનું પાત્ર શિરિષભાઇ મીઠાણી અને સીતાનું પાત્ર એમનાં ધર્મ પત્ની માલાબહેને તથા લક્ષ્મણના પાત્રમાં બચુભાઇ મહેતાએ હૂબહૂ ભજવી પ્રેક્ષકોના મન જીતી લીધાં હતાં. શબરી સહિતના અન્ય પાત્રો અને નૃત્યમાં કલ્પનાબહેનની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. કિશોરભાઇ બાટવીયાએ બધા જ દ્રશ્યોના ગીતોનું સંકલન કરી રંગમંચની ગરિમા પર ચાર ચાંદ લગાવ્યા હતા. માધાપરના મંજુબહેન આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર હતાં. ભાવનાબહેન દેસાઇએ કોમ્પેરર અને દ્રષ્યોની પૂર્વ ભૂમિકાની રજુઆત સરસ રીતે કરી હતી. એકમેકના સાથ-સહકારથી, સ્વયંસેવકોના સમયદાન અને સેવાભાવથી આ સમગ્ર પ્રયોગ સફળતાને વર્યો.
આ ઓમ શક્તિ સેન્ટર શ્રીમતી રંજનબહેન માણેક MBE લંડનમાં અઢારેક વર્ષથી ચલાવે છે. સેન્ટરમાં વડીલોની એકલતા દૂર કરવા, અવનવી પ્રવૃત્તિઓથી ખુશ રાખવા, યોગાથી તનની તંદુરસ્તી તથા એમનામાં રહેલ કલા-કૌશલ્યને બહાર લાવવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દર બુધવારે હિન્દુ કેલેન્ડરમાં આવતા તહેવારોને લક્ષમાં રાખી થાય છે. સાથે-સાથે પૌષ્ટિક લંચ પણ પીરસાય છે.