એક સમયે ભારતના ઉત્તરીય રાજ્ય પંજાબને “ઉડતા પંજાબ”ના નામે ઓળખાતું હતું. હવે આઝાદીના સમયથી જ્યાં દારૂબંધી અમલમાં છે તેવું મહાત્મા ગાંધીનું ગુજરાત માદક દ્રવ્યોનો ગઢ બની રહ્યું છે. તાજેતરમાં અંકલેશ્વર સ્થિત એક ફાર્મા કંપનીમાંથી રૂપિયા પાંચ હજાર કરોડનું 500 કિલો માદક દ્રવ્ય ઝડપાયું હતું. આ કોઇ પહેલીવારનું નથી. વર્ષ 2021થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી રૂપિયા 15,000 કરોડનું 88,000 કિલો માદક દ્રવ્ય ઝડપાઇ ચૂક્યું છે. છેલ્લા 7 વર્ષમાં ગુજરાતમાંથી અંદાજિત રૂપિયા 40,000 કરોડનું માદક દ્રવ્ય ઝડપાયું છે તેનો અર્થ એ થયો કે ગુજરાતમાં પ્રતિ દિવસ રૂપિયા 115 કરોડનું ડ્રગ્સ ઝડપાય છે.
ગુજરાતમાં દારૂબંધીનો અમલ ફક્ત કાગળ પર જ ચાલી રહ્યો છે તે તો સર્વવિદિત છે. પરંતુ હવે માદક દ્રવ્યોનો મોટાપાયે પગપેસારો ચિંતાનો વિષય બની રહ્યો છે. અગાઉ જે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાના વેપાર-વાણિજ્ય માટે ગુણગાન ગવાતાં હતાં તે જ હવે માદક દ્રવ્યોનો અડ્ડો બની રહ્યો છે. આંતરા દિવસે દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં માદક દ્રવ્યોના પેકેટ મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે.
દક્ષિણ અમેરિકાના કોલંબિયા સહિતના ડ્રગ્સ માફિયાના દેશોની જેમ ગુજરાત એશિયામાં માદક દ્રવ્યોના ઉત્પાદનનું કેન્દ્ર બની રહ્યું હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. ગુજરાતમાં ફાર્મા ઇન્ડસ્ટ્રી વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલી છે. ડ્રગ માફિયાઓ દ્વારા આ ફાર્મા કંપનીઓનો ઉપયોગ ડ્રગ્સના ઉત્પાદન માટે થઇ રહ્યો છે. તાજેતરમાં ઘણી ફાર્મા કંપનીઓમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. જો આ પ્રવૃત્તિ સામે સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં નહીં આવે તો મહાત્મા ગાંધીના ગુજરાતને ઉડતા ગુજરાત બનવામાં જરા પણ સમય નહીં લાગે. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના યુવાધન પર માદક દ્રવ્યોનું જોખમ તોળાઇ રહ્યું છે. ગુજરાતને માદક દ્રવ્યોનું કેન્દ્રસ્થાન બનતાં તાકિદે અટકાવવું પડશે.