હાઉસ ઓફ લોર્ડ્સથી લેડી પ્રમિલાબહેન પારેખને ભાવભરી સ્મરણાંજલિ

- પ્રતિનિધિ દ્વારા Tuesday 22nd October 2024 09:23 EDT
 
 

સોનેરી સંગતની આ ૩૩ મી ઝૂમ ઇવેન્ટ એક વિશિષ્ઠ પ્રકારની હતી. આપ સૌ જાણો છો એમ પ્રતિ સપ્તાહની સોનેરી સંગત નવા નવા વિષયો રજુ કરી એને વિશિષ્ટતા પ્રતિપાદિત કરે છે. તા. ૧૦ ઓક્ટોબરના રોજ આ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. એ માટે લોર્ડ ભીખુભાઈ પારેખનો ઋણ સ્વીકાર. ૨૫ વરસથી લોર્ડ પદ શોભાવી ગુજરાતીઓ/ ભારતીયો / બ્રિટનવાસી એશિયનોનું ગૌરવ વધારી રહ્યા છે. (હાઉસ ઓફ લોર્ડ્સ - બ્રિટીશ અપર ચેમ્બર ઓફ પાર્લામેન્ટ લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું છે). આ કાર્યક્રમ ખાસ કરીને લેડી પ્રમિલાબહેન પારેખને અંજલિ આપવા સાથે લોર્ડ ભીખુભાઇની વેદનાને સંવેદનાના શિતળ જળથી શાતા બક્ષે એ મુખ્ય હેતુ હતો.
દિવંગત લેડી, લોર્ડ ભીખુભાઇના જીવનસંગિની પ્રમિલાબહેન પારેખના ગુણાનુવાદની આ સંગતમાં એમને અને એમનાં ગુણોને યાદ કરતાં કરતાં, સંઘર્ષમય જીવનમાંથી કેડી કંડારી શકાય એનો પાઠ પ્રેરક રહ્યો.
જીવાય તે જીવન અને મણાય તે મૃત્યુ
એ અદ્ભૂત કાર્યક્રમ કવયત્રિ ભારતી પંકજના ભેજાની ઉપજ. એમાં આપણા ગુજરાત સમાચારના ઉત્સાહી તંત્રીશ્રી સી.બી.પટેલની નિત નાવીન્ય પીરસવાની અને અવસરને ઉજવી લેવાની બાજ નજરનો પ્રતાપ ભળ્યો.
આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત સમાચારના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહે કર્યું. કાર્યક્રમની ભૂમિકાની રજુઆત કરતાં એમણે જણાવ્યું, ‘જીવન જ્યારે પોતાના માટે જીવાય એ તો હેતુપૂર્ણ બને પરંતુ અન્યો માટે હેતુપૂર્ણ જીવાય ત્યારે એ જીવન ખરેખર ઉત્સવ સમાન બની રહે છે. લોર્ડ અને લેડી પારેખ ૬૫ વર્ષના દીર્ઘ દાંપત્ય જીવનના સુખ-દુ:ખ, ઉતાર-ચઢાવના સાથી છે. એકબીજાની હૂંફ, લાગણીથી આટલો લાંબો સમય પ્રેમ અને પરસ્પર સમજથી વીતાવ્યો હોય ત્યારે એમના દેહવિલયની કમી તો જીવનભર રહેવાની જ. એમણે સાથે વિતાવેલ એક એક લમ્હા એમની આસપાસ ઘૂમતા રહેવાના. યાદોમાં તો સદાય જીવંત રહેવાના. ‘હમ રહે ના રહે, મહેંકા કરેંગે, બનકે કલી, બનકે સબાં, બાગેં વફા મેં, રહે ના રહે હમ...’ મમતા ફિલ્મનું આ ગીત લેડી પ્રમિલાબહેનના જીવન માટે બંધ બેસતું છે.
એક હાઇ પ્રોફાઇલ પતિ સાથે કદમ મિલાવી ચાલવામાં કંઇ કેટલાય બાંધછોડના પ્રસંગો ઉદભવ્યા હશે? સાથે-સાથે પોતાની કરીયર પણ આપબળે ઉભી કરવાની. સ્વતંત્ર અસ્તિત્વ બનાવવા સાથે જ પત્ની, ગૃહિણી, માતા તરીકેની ભૂમિકા ભજવવાની. આ બધું લોઢાના ચણા ચાવવા જેવું કઠિન છે.
ભીખુભાઇ લોર્ડ બન્યા એ અગાઉથી ભીખુભાઇ અને પ્રમિલાબહેન અવાર-નવાર લંડન આવતા ત્યારે અમારા “ગુજરાત સમાચાર’ ‘એશિયન વોઇસ’ કાર્યાલયની મુલાકાત લેતા. એ વેળા પ્રમિલાબહેનના ઉર્મિશીલ-મિલનસાર સ્વભાવનો પરિચય અમને થતો. સૌ પ્રથમ ગુજરાતીમાં બોલવાનો અવસર મળ્યાની ખુશાલી એમના ચહેરા પર સ્પષ્ટ વરતાતી.. અમારા પુષ્પાબહેન સી.બી.પટેલના હાથનું ગુજરાતી ભોજન જાણે કે મિજબાની. અમારા સીનિયર - વડિલ -ગાઇડ સરોજબહેન પણ પ્રમિલાબહેનના સમવયસ્ક એટલે એમની સાથે સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ વિષયક ગપસપ થતી. એટલી સહજતા-સાલસતાથી અમારા બધાં સાથે વાર્તાલાપ કરતા કે એક આત્મીયજન હોવાની પ્રતિતી થતી. નામ પ્રમાણે જ ગુણ ધરાવતું પ્રેમથી ઉભરાતું વ્યક્તિત્વ એટલે પ્રમિલાબહેન.
છેલ્લા થોડાંક વર્ષોમાં ડીમેન્શીયાએ એમને ગ્રસી લીધાં પરંતુ એમનો મજાકીયો સ્વભાવ તો એવો ને એવો જ!
આપણા સૌના જાણીતા માયા દીપકે હરિન્દ્ર દવેની રચના ‘મહેંકમાં મહેંક ભળી જાય તો મૃત્યુ ના કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ના કહો...’ ગીતથી કરી. ભાવ-શબ્દ અને સૂરના સંગમે અંજલિનો પ્રારંભ થયો. જેનું વિસ્મરણ ન થાય તેને મૃત્યુ ન કહેવાય! લેડી પ્રમિલાબહેનના શાશ્વત પ્રેમનું સ્મરણ કરાવે તેવી પ્રશ્નોત્તરી કરાઇ. આ પછી ભારતીબહેન વોરાએ પ્રશ્નોત્તરી સ્વરૂપે કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો.
ભારતીબહેનઃ આદરણીય ભીખુભાઇ અને પ્રમિલાબહેન, એક જીવના બે સંસારી સમા, અલબેલા ને અલગારી થઇ ૬૫ વર્ષના સહવાસ પછી આપના અંતરના ઊંડાણમાં બહુ મોટો પ્રશ્ન હતો કે, પ્રમિલા, તારા વિના હું એકલતાનો સામનો કઇ રીતે કરીશ? આ ભાવને પ્રગટ કરતી પંકજની કવિતા કહે છે કે...
તું ન હો ત્યારે,
ધોધ સ્થગિત ને પાષાણો વહેતા એવું,
ભાવ વહે પણ શબ્દો સાથ ન દેતાં એવું,
તેર તૂટે ને ત્રણ ટાંકા સીવવા જેવું .
તું ન હો ત્યારે.
લોર્ડ પારેખ: ખાસ કહેવા જેવું એ છે કે, સત્ય શું છે? આપ સૌની મારા પ્રત્યેની લાગણીએ મારા જીવન અને લગ્નજીવનને નવી દ્રષ્ટિથી જોયું. હું સી.બી.પટેલ અને ગુજરાત સમાચારનો આભાર માનું છું.
ભારતીબહેન: ભીખુભાઇ, વિષાદના પંખીની અવાચક જખમ પર બુરી નજર છે. ધ્યાન રાખજો કે, અવાવરા ઉરમાં ઘર ના કરી લે, એ ડર છે? ભીખુભાઇ, ચાલો આપણે ૬૫ વર્ષ પહેલાના યુગમાં જઇએ? જ્યારે તમે પ્રમિલાબહેનને જોયા હતા ત્યારે તમને લાગ્યું હશે કે,
ઉમર હશે પંદર સત્તર,
મ્હાલતી જાણે અધ્ધર પધ્ધર
નજરૂં એની ચકર વકર
ઉડાડતી લટો લઘર વઘર
કાલની કશી ફકર વગર
નીકળી જાણે ચંદર સફર...
આપ ક્યાં અને કેવી રીતે મળ્યાં અને પ્રેમમાં પડ્યાં!! પ્રમિલાબહેનના કયા વ્યક્તિત્વના પાસાથી આપ આકર્ષાયેલા? તમારા બન્નેના વ્યક્તિત્વમાં શું સામ્ય?
લોર્ડ પારેખ: પ્રેમમાં પડ્યા કે ચડ્યા? મુદ્દાની વાત એ છે કે, જીવનમાં પ્રેમ થયો. ગાંધીજી ઘણીવાર કહેતા કે, પ્રેમ જિંદગીમાં મહત્વનો ભાગ ભજવે છે. પહેલી વખત મળ્યો ત્યારે એટલી ધડકન ન હતી. જોતાંની સાથે જ આકાશમાં લઇ જાય એવી પર્સનાલીટી! એનો સ્વભાવ શાંત. સહેજે ય ગુસ્સો ન આવે. પ્રેમાળ વ્યક્તિ. આપો એથી બમણો પ્રેમ આપે. જેમ જેમ મળતો ગયો તેમ તેમ ધીરે ધીરે પ્રેમ ઉગતો ગયો. જેમ ઓર્ગેનિક ફુડ ખાવામાં સારું એમ પ્રેમમાં પણ ઓર્ગેનિક સારું. જેમ જેમ મળતો ગયો તેમ નિર્ણય લીધો કે જીવનસાથી બનવું. બે-ત્રણ જણની હાજરીમાં લગ્ન કરી લીધું. કારણ એના ઘરમાં અમારા લગ્નનો વિરોધ હતો. જો કે એ પોતે મક્કમ હતી. મારા ઘરમાં તો અમારું લગ્ન સ્વીકાર્ય હતું.
ભારતીબહેન: તમારી દ્રષ્ટિએ પ્રમિલાબહેન એક ગૃહિણી વિશે કહો?
લોર્ડ પારેખ: અમે લગ્ન કરી યુકે આવ્યા. શરૂમાં ઘણી તકલીફ પડેલી. લંડન આવ્યા પછી એને ભણવું હતું પરંતુ બાળકો થયા પછી એમને કોણ રાખે? અમે ત્રણ દિકરાઓના માતા-પિતા બન્યા પણ એકલા હાથે એમનો ઉછેર કરવામાં ઘણી મુશ્કેલીઓ નડી. હું ૩૫ વર્ષ સુધી હલમાં પ્રોફેસર તરીકે રહ્યો ત્યારે ૧૨ વર્ષ તો બહાર રહેવાનું થયેલ. હાર્વર્ડ, પેનસેલ્વીયા યુનિવર્સિટીઓમાં જવાનું થાય ત્યારે એકલા હાથે ઘર-છોકરાઓને સંભાળવાના તકલીફો તો પડે જ! ફાધર સામાન્ય રીતે છોકરાઓને તોફાન કરે કે ન માને ત્યારે ધમકાવે, સજા કરે ત્યારે મા જ સંભાળી લે. મારા ગયા પછી એમને સમજાવે. એમનામાં આત્મવિશ્વાસ કેળવે. માતાનું સ્થાન અને ફાળો બન્ને હંમેશા બાળકના જીવનમાં મહત્વના હોય છે. જેમ બાળકો મોટા થયા એમ મુશ્કેલીઓ ઘટતી ગઇ.
આ પછી હેરોમાં આવેલા સંગત એડવાઇસ સેન્ટરના સીઇઓ કાંતિભાઇ નાગડાએ કાર્યક્રમનો દોર આગળ ધપાવ્યો હતો.
કાંતિભાઇઃ ભીખુભાઇ, તમારી અનેકવિધ પ્રવૃત્તિઓમાં પ્રમિલાબહેન કઇ રીતે મદદરૂપ રહ્યાં? હલ ખાતે એમણે કરેલ સામાજિક પ્રવૃત્તિઓ વિષે માહિતી આપશો?
લોર્ડ પારેખઃ મારી મુખ્યત્વે ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ હતી. રાજકીય પ્રવૃત્તિ. આધ્યાત્મિક અને ચિંતનાત્મક પ્રવૃત્તિમાં લખવું-વાંચવું વગેરે અને ત્રીજી માસ્તરની.
એણે ઘર, કુટુંબની જવાબદારી સંભાળી. સાથે સાથે હું જે પુસ્તકો લખું એ મને ટાઇપ કરતા ના આવડે એટલે એ બધા ટાઇપ કરતી. તેણે હલમાં રેસ ઇક્વાલિટી ઓફિસર તરીકે ત્રણ-ચાર વર્ષ કામ કર્યું. અલગ-અલગ કોમ્યુનિટીમાં ડીસ્ક્રીમીનેશનના કેસીસ હોય તો એ સામે લડત કરવાની. જુદા જુદા ધર્મના લોકોને પ્રેયર રૂમ જોઇએ તો તેની વ્યવસ્થા કરવાની. કોમ્યુનિટી વર્કર તરીકે સારું કામ કર્યું. શરુમાં કાર્યકર તરીકે કામ કર્યું પરંતુ અગવડતા પડતી હોવાને કારણે છોડી દીધું. પછી છોકરાઓ મોટા થયા બાદ વોલંટીયરી કામ કર્યું.
હલની સ્કૂલોમાં જઇને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના પ્રચાર માટે માહિતી પૂરી પાડવાની અને આપણા તહેવારો દિવાળી-નવરાત્રી વગેરેની સમજ આપવાની. ગરબા પણ સ્કુલોમાં જઇ શીખવતાં.
જ્યોત્સનાબહેન શાહ: આપના સંતાનો રાજ, નીતિન અને અનંત ત્રણેય ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ અને તે દરેકે પોતપોતાની ઉચ્ચ કારકિર્દી સિધ્ધ કરી નામના મેળવેલ છે એ એક રેકોર્ડ કહી શકાય. એમના ઘડતરમાં પ્રમિલાબહેનના અનુદાનની વાત કહેશો?
લોર્ડ પારેખ: મારે વચ્ચે અવારનવાર અમેરિકા જવું પડે ત્યારે પ્રમિલા સામે મોટો સવાલ હતો કે ઘર કઇ રીતે સંભાળવું? છોકરાઓને સંભાળવાના. ધારો કે છોકરાએ ખિસ્સામાંથી એક પાઉન્ડ લઇ લીધો તો તેમને ધમકાવવાના, સમજાવવાના. સારી ટેવ પડે એ માટે સજાગ રહેવાનું. કેટલાય નિર્ણયો એકલા જ લેવાના. ત્રણેયના ઉછેરમાં એમનો ફાળો ખરો. સ્ટેબીલીટી મધરે આપી. અંદરની જાગૃતિ અને પ્રોત્સાહન આપવાની ફરજ બજાવી પણ ઓક્સફર્ડમાં જવા માટે ડાયરેક્ટ ફાળો ઓછો! એમના ભણતરમાં, શિસ્તમાં મારું માર્ગદર્શન.
એક વાતનું મને જરૂર ગૌરવ છે કે, ઇતિહાસમાં એક જ પરિવારના ત્રણ સંતાનોને ઓક્સફર્ડમાં એડમીશન મળવું અને એન્ટ્રન્સ એક્ઝામમાં ફર્સ્ટ આવવું એ રેકોર્ડ છે. બન્નેના મિલનથી સિધ્ધિ હાંસલ કરી શકાય.
જ્યોત્સનાબહેન: આપના જીવનમાં એવો કોઇ પ્રસંગ બન્યો હોય જેમાં પ્રમિલાબહેનનું પીઠબળ હોય?
લોર્ડ પારેખઃ મારી જ્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક થઇ ત્યારે ત્યાં ગયા બાદ કેટલાક વિરોધીતત્ત્વોની પરેશાનીથી મેં એ પદ છોડી દેવાની વાત કરી તો પ્રમિલાએ મને હિંમત આપી અને ટર્મ પૂરી કરવા પ્રોત્સાહિત કર્યો.
શ્રોતાજનોમાંથી ગુજરાતી ભાષાના સમર્પિત શિક્ષક ડો. જગદીશ દવેએ, વડોદરાના જાણીતા સર્જન ડો. જયશ્રીબહેન મહેતા અને લેસ્ટરના ડો. ગૌતમ બોડીવાલાએ એમના પ્રમિલાબહેન માટેના અનુભવો વિષે બોલતા પ્રમિલાબહેન વિષે જણાવ્યું કે, તેઓ ખૂબ જ પ્રેમાળ લેડી હતાં.
લોર્ડ પારેખના જીવનમાં પ્રમિલાબહેન જબરજસ્ત પીલર સમાન હતા. લોર્ડ પારેખના જાયન્ટ સક્સેસમાં પ્રમિલાબહેનનો સિંહફાળો હતો. સમાપનમાં શ્રી સી.બી. પટેલે લોર્ડ પારેખની કેટલીક નહિ કહેવાયેલ વાતો પર પણ પ્રકાશ ફેંક્યો હતો.


comments powered by Disqus