ગયા સપ્તાહમાં ભારતે ફિલિપાઇન્સને સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસની ડિલિવરી આપી. 2022માં ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે 375 મિલિયન અમેરિકન ડોલરનો શસ્ત્ર સોદો કરાયો હતો તે અંતર્ગત આ ડિલિવરી અપાઇ હતી. વિશ્વના શસ્ત્ર બજારમાં ભારત હવે એક અગ્રણી શસ્ત્ર ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે. આઝાદીના પ્રારંભિક કાળમાં ભારતમાં એક સોયનું પણ ઉત્પાદન થતું નહોતું જ્યારે આજે ભારત પૃથ્વી, બ્રહ્મોસ, નાગ, આકાશ, અગ્નિ સહિતના શ્રેણીબદ્ધ મિસાઇલોનું ઉત્પાદન કરી રહ્યો છે. ભારતે તેના પ્રથમ સ્વદેશી યુદ્ધ વિમાન તેજસને વિકસાવવાની પણ સિદ્ધી હાંસલ કરી લીધી છે. ભારત આજે પોતાની જરૂરીયાત માટે જ નહીં પરંતુ અન્ય દેશોની જરૂરીયાત સંતોષવા નૌકા યુદ્ધ જહાજોનું પણ જાતે નિર્માણ કરી રહ્યો છે. વર્ષ 2023-24માં ભારતે રેકોર્ડ રૂપિયા 21,083 કરોડની સંરક્ષણ નિકાસ કરી જે અગાઉના વર્ષ કરતાં 32.5 ટકાનો વધારો દર્શાવે છે. વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા તે 2014થી 2024 સુધીના 10 વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસમાં 31 ગણો વધારો નોંધાયો છે. આજે ભારતની ઘરેલુ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ફુલી ફાલી રહી છે. સંખ્યાબંધ સરકારી અને ખાનગી કંપનીઓ આ સેક્ટરમાં નોંધપાત્ર ભુમિકા ભજવી રહી છે. એક અંદાજ પ્રમાણે વર્ષ 2028-29 સુધીમાં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 3 ટ્રિલિયન રૂપિયાને આંબી જશે અને સંરક્ષણ નિકાસ રૂપિયા 50,000 કરોડને પાર કરી જશે. આગામી પાંચ વર્ષમાં એરો-એન્જિનથી માંડીને ગેસ ટર્બાઇન સુધીના ઉત્પાદનોનું નિર્માણ શરૂ થઇ જશે. 2014માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન માંડ 40,000 કરોડ રૂપિયાનું હતું જે 2024માં 1.10 ટ્રિલિયન રૂપિયાને પાર કરી ગયું છે. વિશ્વની મહાસત્તાઓ શસ્ત્રોની નિકાસના બળ પર દુનિયામાં પોતાનું વર્ચસ્વ કાયમ રાખતી આવી છે. હવે આ ક્લબમાં ભારતે પણ પગપેસારો કરી લીધો છે. સંરક્ષણ નિકાસથી દેશને મહામૂલા વિદેશી હુંડિયામણની પણ આવક થઇ રહી છે. જોકે ભારતે આજે પણ વિશ્વનો બીજા ક્રમનો શસ્ત્ર આયાત કરતો દેશ છે. તેમ છતાં હવે ભારત સરકાર શસ્ત્રોના મામલે વિદેશી આયાતો પર નિર્ભરતા ઘટાડી રહી છે. ભારતને શસ્ત્રો આપવાના મામલામાં રશિયા ટોચના ક્રમે રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાંથી થતી શસ્ત્ર આયાત 76 ટકાથી ઘટીને 36 ટકા પર આવી ગઇ તે એક મહત્વની સિદ્ધી ગણી શકાય.