કચ્છ, સરહદી યુદ્ધ, સત્યાગ્રહનો સાક્ષી એપ્રિલ !

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 24th April 2024 10:38 EDT
 
 

જે ભૂલી જવા જેવુ હોય તેને સાંચવી રાખવું અને જેને કાયમ યાદ રાખવું જોઈએ તે આસાની થી ભૂલી જઈએ એ આપણો સ્વાભાવિક રોગ તો નથીને?
બે દિવસમાં એપ્રિલ મહિનો ચાલ્યો જશે અને પહેલી મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસ રંગેચંગે ઉજવવામાં આવશે.અને કેમ ના ઉજવીએ? ગરવી ગુજરાતનો એ રાષ્ટ્રીય દિવસ છે!
.. પણ તેની પાછળ કેટલોક અતીત છે, સાવ નજીકનો. અને તેનો યોગાનુયોગ સંબંધ એપ્રિલ અને ક્ચ્છની સાથે છે, હાલની રાજકીય, રાષ્ટ્રીય પરિસ્થિતીની સાથે પણ છે.
 નવમી એપ્રિલ, 1965. મોડી રાતે ત્રણની આસપાસ કચ્છની સરહદના છાડ બેટ પર પાકિસ્તાની સેનાએ હુમલો કર્યો, પોઈન્ટ-84 ચોકીને ઘેરી લેવામાં આવી. આપણા અનામતી દળોએ જડબાતોડ જવાબ આપ્યો, સામસામી લડાઈ થઈ. 14 કલાક સુધી આ સંઘર્ષ ચાલ્યો. પાકિસ્તાનનાં 134 સૈનિકોની લોથ ઢાળીને શહિદ થનારા કોણ હતા આપણા જવાનો? ગુજરાતે આ બલિદાની સૈનિકોનું સ્મરણ કરવું જોઈએ. તે હતા, નાયક કિશોર સિંહ. સી.આઈ. જ્ઞાનચંદ. સમશેર સિંહ. સી.આઈ. જદૂરામ. સી.આઈ. સતીષ પ્રધાન.
આ દિવસોમાં બીયાર બેટ અને સરદાર ચોકી પર આક્રમણ થયું તે મારી હઠાવાયુ. ટીઆરએન દિવસોનું ટેન્ક-યુદ્ધ હતું અને આકાશેથી યુદ્ધ જહાજો બોંબગોળા વરસાવતા હતા, ભોંસલે નામે ભારતીય જવાન મરાયો. છાડ બેટ, કંજરકોટ, કરિમશાહી, અબડાસા, વીઘા કોટ.. વિશ્વના નકશા પર આ ટપકાં જેવા સ્થાનો દેખાયા. પાકિસ્તાનની વ્યૂહરચના એવી હતી કે છાડ બેટ સુધીનો વિસ્તાર કબ્જે કરવો. આ દાવ છેક 14 જુલાઈ 1948થી ચાલુ છે, આજે પણ તે સિરક્રિકને પોતાનું માને છે! યુદ્ધ વિરામ એવો ખેલ રહ્યો. યુદ્ધ ભૂમિ પીઆર સૈનિકોએ લોહી રેડીને જે વિસ્તાર જીત્યો તે મંત્રણાના ટેબલ પર ગુમાવ્યો તેનો પણ ઇતિહાસ છે.
19 ફેબ્રુઆરી, 1968ના દિવસે એવો એક “આંતર રાષ્ટ્રીય” ચુકાદો આવ્યો. કચ્છ ટ્રિબ્યુનલના નામે તે જાણીતો છે. તે પંચમાં યુગોસ્લાવિયાના એલેક્સ બેબલર, ઇરાનના નાસરૂલ્લા ઇંતેઝામ અને અધ્યક્ષ તરીકે સ્વીડન અદાલતના અધ્યક્ષ ગુન્નાર લેગરગ્રીન હતા. ભારતે આ યુદ્ધમાં ગુજરાતનાં મુખ્યમંત્રી બળવંત રાય મહેતા, પત્રકાર કે.પી. શાહ, મુખ્યમંત્રીના પત્ની સરોજ બહેન અને વિમાન ચાલક ગુમાવ્યા હતા. પાકિસ્તાને તો દાવો કર્યો કે 3500 ચોરસ માઈલ વિસ્તાર અમારો છે. પંચે 350 ચોરસ માઈલ પાકિસ્તાનને આપવાનું ઠેરવ્યું તેમાં છાડ બેટ પણ સામેલ કરાયું. પંચના ત્રણે સભ્યોમાથી કોઈએ આ વિસ્તારની મુલાકાત લીધી હોત તો અંદાજ મળ્યો હોત કે, આ લીલાછમ મૂલક તો કચ્છની જીવન રેખા જેવો હતો. બન્ની અને બીજેથી પશુપાલકો ત્યાં ગૌચર માટે જતાં.
અસાંજો છાડબેટ.
આ નારો એપ્રિલ 1968માં સમગ્ર કચ્છમાં ગાજયો અને દેશ આખામાંથી સત્યાગ્રહીઓ ઉમટ્યા. આજે ચૂટણીમાં સત્તા મેળવવા જેવા મુદ્દે પણ કોંગ્રેસ અને બીજા પક્ષોનું જોડાણ કે સમજૂતી થતાં નથી, તેમણે એપ્રિલ 1968 ના કચ્છ સત્યાગ્રહમાથી બોધપાઠ લેવો જોઈએ કે વિપક્ષો કેવી રીતે એક થઈને મહિનોમાસ સરહદ પર એકત્રિત થયા હતા. દેખીતું કારણ હતું કે બધાનો મુદ્દો રાષ્ટ્રીય હતો. સ્વતંત્ર પક્ષ, ભારતીય જનસંઘ, પ્રજા સમાજવાદી પક્ષ, સંયુક્ત સમાજવાદી પક્ષ, જનતા પરિષદ.. બધાના નેતાઓ આવ્યા અને તેમની સત્યાગ્રહી ટુકડીઓ પણ ભુજ અને ખાવડામાં ઉતરી પડી. ત્યારે તો આવા રસ્તા પણ નહોતા, ખુદ રાજ્ય સરકારે જાહેર ચેતવણી બહાર પાડી હતી કે કચ્છના સરહદી વિસ્તારમાં ઝેરી મચ્છરોનો ઉપદ્રવ છે, માટે ત્યાં જવું કોઈને માટે ઠીક નથી. ભુજથી ખાવડાનો રસ્તો, જેને રસ્તો જ ના કહેવાય તેવો મોટા ખાડા, ટેકરા અને ધૂળનો પુરાવો હતો. દેશને જોડતી એક ટ્રેન રાધનપુર થઈને આવતી. છતાં લોકો “કચ્છ કી ધરતી, દેશ કી ધરતી” નારા ગજવતા આવ્યા, સત્યાગ્રહ કરીને પાકિસ્તાન સુધી જવાનો પ્રયાસ કર્યો, પકડાયા તો તેઓને રાખવા માટે ભુજ ની કાળમીંઢ જેલમાં જગ્યા ઓછી પડી. તામિલનાડુ, કેરલ, કર્ણાટક, પંજાબ, ઉત્તર પ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા સહિતના પ્રદેશોના સત્યાગ્રહીઓ હતા. અને તેના નેતાઓ બેરિસ્ટર નાથપાઇ, અટલ બિહારી વાજપેયી , જ્યોર્જ ફર્નંડીઝ, લાડલી મોહન નિગમ, એન.જી,રંગા, રાજનારાયણ, વિજયારાજે સિંધિયા, બલરાજ મઢોક, જગન્નાથ રાવ જોશી, હેમ બરુઆ.. અને ગુજરાતમાંથી કેશુભાઈ પટેલ, ભાઈકાકા, સનત મહેતા, ચીમન ભાઈ શુકલ, સૂર્યકાંત આચાર્ય, નારસિંહ પઢિયાર (તેમની છ મહિનાની દીકરી પણ ખરી) વસંત પરિખ, વસંતરાવ ગજેન્દ્રગડકર, મનોહર સિંહ જાડેજા, બિહારીલાલ અંતાણી, કચ્છના મહારાવ રાજવી…. એક અદ્દભુત સત્યાગ્રહ મહિનોમાસ ચાલ્યો. 1968નો એ સત્યાગ્રહ 1974-75માં કટોકટીની સામે એકઠા થયેલા અને 1977ની લોકસભા ચૂટણીમાં વિલીન થઈને એક પક્ષ બનીને સત્તા હાંસલ કરવાનું બીજ સાબિત થયો.
આજે તો યાદ કરાવવું પડે તેમ છે કે 21 એપ્રિલથી આ રાષ્ટ્રીય સત્યાગ્રહ ચાલ્યો હતો. આ લેખક એક પત્રકાર તરીકે તેનો સાક્ષી છે, પહેલી ટુકડી હરિસિંહજી ગોહિલના નેતૃત્વમાં , ખાવડાથી થોડેક દૂર ખુલ્લા મેદાનમાં સત્યાગ્રહ શરૂ થયો. બીજી ટુકડી “તોફાની ઠાકુર” રજનારાયણની હતી. એક ટુકડી આસામના કવિ-સમાજવાદી નેતા હેમ બરુઆની બની. જ્યોર્જ ફરનાડીઝ તો તેમની આગવી શૈલીમાં બીજા રસ્તે ગુપચાપ નીકળ્યા.
આ રણમાં ફસાઈ જવું જીવલેણ હતું, રાજયભરમાં આ વાત પહોંચી. જ્યોર્જ અને સાથીદારો ક્યાંક રણમાં જ.... આ કલ્પના થરથરાવી મૂકે તેવી હતી. અંતે તેમનો પત્તો મળ્યો. ગુપ્તચર ખાતાએ તો એવી વાત પણ ફેલાવી હતી કે જ્યોર્જ કોઈ કચ્છી યુવતીના પ્રેમમાં પડી ગયા છે! આ ઝૂઝારૂ નેતાએ લાંબા સમય સુધી કચ્છમાં ધામાં નાખીને આર્થિક સામાજિક સ્થિતિનો અભ્યાસ કર્યો તે પછીથી લોકસભામાં રજૂ કર્યો હતો.


comments powered by Disqus