અમેરિકામાં 10 લાખ કરતાં વધુ ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે. ગ્રીન કાર્ડ મેળવવા માટે હાઇ સ્કીલ્ડ ભારતીયોને દાયકાઓ સુધી રાહ જોવી પડી રહી છે અને તે માટે અમેરિકાની 7 ટકા ગ્રીન કાર્ડ ક્વોટા સિસ્ટમ જવાબદાર છે. લાંબા સમયથી ભારતીયો અને અમેરિકન સાંસદો દ્વારા આ ક્વોટાને રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકાને ભારતના હાઇ સ્કીલ્ડ પ્રોફેશનલ્સની અત્યંત જરૂર છે. આજે અમેરિકાના અર્થતંત્રમાં ભારતીયોનું યોગદાન છાપરે ચડીને પોકારે છે. અમેરિકાના મોટેલ ઉદ્યોગનો પાયો ભારતીયો અને મુખ્યત્વે ગુજરાતીઓ છે. ઘણા ભારતીય સ્ટાર્ટઅપ્સ અમેરિકી અર્થતંત્રને વેગ આપી રહ્યાં છે. આઇટી ઇન્ડસ્ટ્રી, મેડિકલ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં કુશળ ભારતીયો વિના અમેરિકાને ચાલે તેમ નથી તેમ છતાં પણ ગ્રીન કાર્ડ માટેના આ વિલંબને દૂર કરવામાં અમેરિકી સત્તાવાળાઓ દ્વારા નક્કર પગલાં લેવાતાં નથી. ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સહિતના સંખ્યાબંધ ભારતીય અમેરિકન સંગઠનો દ્વારા ગ્રીન કાર્ડ માટેના 7 ટકાના ક્વોટાને દૂર કરવા ચળવળ ચલાવવામાં આવી રહી છે. આ ક્વોટાના કારણે ભારતીયોને તો નુકસાન થઇ રહ્યું છે પરંતુ સાથે સાથે અમેરિકાને પણ નુકસાન છે. ભારત જેવા વિશાળ વસતી ધરાવતા દેશના લોકો માટે 7 ટકાનો ક્વોટા અપ્રમાણસર અને અન્યાયી છે. આજે અમેરિકાને ભારત સૌથી વધુ કુશળ કર્મચારીઓ પૂરા પાડી રહ્યો છે. કુશળ વ્યાવસાયિકોની સાથે ભારત અમેરિકાને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપલબ્ધ કરાવી રહ્યો છે જેના કારણે અમેરિકાની યુનિવર્સિટીઓ ધમધમી રહી છે. પરંતુ ગ્રીન કાર્ડમાં વિલંબના કારણે ઘણા ભારતીયો હવે અમેરિકાથી વિમુખ પણ થઇ રહ્યાં છે. તાજેતરના વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકાથી ઉચાળા ભરીને કેનેડા જવાનું મુનાસિબ સમજ્યું હતું. જો અમેરિકા દ્વારા ગ્રીન કાર્ડના આ ક્વોટાને રદ કરવામાં આવે તો તેને મોટી સંખ્યામાં કુશળ ભારતીય વ્યાવસાયિકો ઉપલબ્ધ બની શકે છે. અમેરિકામાં અભ્યાસ કરીને નિપુણ બનતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ અમેરિકામાં સ્થાયી થવાના દ્વાર ખુલવાની સાથે અમેરિકાને પણ ઉમદા બુદ્ધિધન પ્રાપ્ત થઇ શકે છે. અમેરિકી સરકારે ગ્રીન કાર્ડના ક્વોટા પર ગંભીરતાથી વિચારણા કરવાની જરૂર છે.