નવી દિલ્હીઃ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ અહેવાલમાં દુનિયાના મહત્ત્વના દેશો દ્વારા લશ્કરો અને શસ્ત્ર સરંજામ પાછળ કરાતા ખર્ચની વિગતો અપાઈ છે. જેમાં કુલ વૈશ્વિક લશ્કરી ખર્ચનો અંદાજ આપતા જણાવ્યું છે કે, વિશ્વનો કુલ લશ્કરી ખર્ચ 2023માં 2.4 ટ્રિલિયન ડોલર્સ સુધી પહોંચી ગયો છે.
આ માટે કારણો જણાવતા તે રિસર્ચ ઇન્સ્ટીટયુટ જણાવે છે કે, યુરોપ (રશિયા-યુક્રેન યુદ્ધ), મધ્ય પૂર્વ (ઇઝરાયલ-હમાસ- ઇરાન યુદ્ધ) અને તાઇવાનની તંગદિલીને લીધે આ ખર્ચમાં અસામાન્ય વધારો થઈ ગયો છે. સિનિયર રિસર્ચર નાન રીયાને કહ્યું કે, 2009 પછી વર્ષથી વર્ષના સંદર્ભે જોતાં આ સૌથી વધુ ખર્ચ છે.
નાન રીયાને જણાવ્યું કે, મિલિટરી ખર્ચ કરનારામાં અનુક્રમે અમેરિકા, ચીન, રશિયા, ભારત અને સાઉદી અરેબિયા આવે છે. યુક્રેન યુદ્ધને લીધે યુરોપના તમામ દેશોએ લશ્કરી ખર્ચમાં વધારો કર્યો છે. વૈશ્વિક સ્તરે 2023માં 2022ના વર્ષ કરતા 6.8 ટકા જેટલો લશ્કરી ખર્ચ વધ્યો છે. રશિયાએ તો તેના લશ્કરી ખર્ચમાં 24 ટકાનો વધારો કરતાં તેનું લશ્કરી બજેટ 2023માં 109 બિલિયન ડોલર્સ પહોંચાડ્યું છે. તો યુક્રેનના લશ્કરી ખર્ચમાં પણ 51 ટકાનો વધારો થયો છે અને તે 64.8 અબજ ડોલર પહોંચ્યો છે. તેને 35 અબજ ડોલરની વિદેશી લશ્કરી સહાય પણ મળી છે.