દુબઈઃ રણના શહેર તરીકે મશહૂર દુબઈમાં અત્યારે પૂરનો પ્રકોપ છે. વિશ્વખ્યાત શોપિંગ મોલ્સમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાર્કિંગમાં ગાડીઓ તરી રહી હતી અને સડકો તળાવ જેવી બની ગઈ હતી.
હાલત તો એવી છે કે એરપોર્ટમાં પાણી ઘૂસી ગયું અને રનવે દેખાતો પણ બંધ થયો હતો. જેથી અનેક ફ્લાઇટનું આવાગમન અવરોધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, સાયન્સમાં થયેલી એક ભૂલના કારણે આખા દુબઈએ તેનાં વરવાં પરિણામ ભોગવવાં પડ્યાં છે. એટલે કે દુબઈમાં કૃત્રિમ વરસાદે તારાજી સર્જી છે. દુબઈના હવામાનની માહિતી રાખતા તંત્રએ જણાવ્યું કે, છેલ્લાં 75 વર્ષના ઇતિહાસમાં આવો વરસાદ નથી પડ્યો. સામાન્ય રીતે એક વર્ષમાં 94.7 મિ.મી. વરસાદ થતો હોય એ દુબઈમાં માત્ર 24 કલાકમાં જ 142 મિ.મી. વરસાદ પડ્યો હતો.
ક્લાઉડ સીડિંગ કારણ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સોમવાર અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે વિમાન ઉડાવાયાં હતાં. કલાઉડ સીડિંગ એક એવી ટેક્નોલોજી છે જેનાથી કૃત્રિમ વરસાદ પાડી શકાય છે. જો કે આ પ્રયોગમાં ભૂલ થઈ ગઈ, તેના પરિણામે માત્ર થોડાક જ કલાકોમાં દુબઈમાં સહિત સાઉદી અરબ, બહેરીન, કતાર જેવા દેશોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે એક કાર તણાઈ જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતુંં.
સાર્વત્રિક પાણી-પાણી
અનરાધાર વરસાદના કારણે દુનિયાના સૌથી મોટા મોલ ઓફ અમિરાતની દુકાનોની છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું, તો કેટલીક દુકાનોનાં ધાબા પડી ગયાં હતાં.