ધરતી પરની સૌથી મહાન લોકશાહી

કપિલ દુદકિયા Wednesday 24th April 2024 10:36 EDT
 
 

ભારતમાં વિશ્વની સૌથી મોટી અને જટિલ ચૂંટણીઓનો પ્રારંભ થઇ ગયો છે. 19મી એપ્રિલ 2024થી શરૂ થયેલી આ ચૂંટણીમાં સાત તબક્કામાં 1 જૂન 2024 સુધી ભારતીય નાગરિકો મતદાન કરશે. ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભાના 543 સાંસદો ચૂંટી કાઢવા માટે આ મહાકાય કવાયત હાથ ધરાઇ છે. 4 જૂન 2024ના રોજ મતગણતરી હાથ ધરીને પરિણામોની જાહેરાત કરાશે. તમારી ડાયરીમાં આ તારીખની નોંધ કરી લો. હું તો મારી શક્તિ જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં સમોસા અને કચોરીની સાથે મસાલા ચ્હા તૈયાર રાખવાનો છું. પરિણામોની ઉજવણી કરવા માટે લાડુ પણ તૈયાર રાખીશ કારણ કે આ પરિણામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી ટર્મ માટે સત્તાના સૂત્રો સોપશે.
ભારતમાં લોકશાહીનું પર્વ જે ભવ્યતા સાથે ઉજવાઇ રહ્યું છે તેની અનુભૂતિ આપણે પણ કરવી જોઇએ. ભારતમાં લોકશાહીના આ પર્વમાં 97 કરોડ મતદારો મતદાનના અધિકાર દ્વારા નવી સરકાર ચૂંટવા જઇ રહ્યાં છે. અગાઉની ચૂંટણીમાં થયેલા મતદાનના આધારે હું કહી શકું કે 65 કરોડ મતદારો મતદાન કરશે. હવે મને આ આંકડાને યુકેમાં યોજાતી આપણી ચૂંટણીઓ સાથે સરખાવવા દો. 2019માં બ્રિટનમાં યોજાયેલી ચૂંટણીમાં 3.25 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. તેનો અર્થ એ થયો કે ભારતમાં મતદાન કરતા મતદારોની સંખ્યા બ્રિટનમાં 20219માં મત આપનારા મતદારો કરતાં 20 ગણી છે. જો કરી શકો તો કલ્પના કરો કે ભારતની ચૂંટણીઓ કેટલી મહાકાય છે. સુવ્યવસ્થિત અને સુરક્ષિત ચૂંટણીના આયોજન માટે કેટલી મોટી વ્યવસ્થા ગોઠવવી પડતી હશે. મતદાન મથકોની સંખ્યા, ચૂંટણી કર્મચારીઓની સંખ્યા, સુરક્ષા કર્મચારીઓની સંખ્યા.. વગેરે ... વગેરે... આ યાદીનો અંત આવી શકે તેમ નથી. તમે કોઇપણ માપદંડ સાથે સરખાવો, આ ધરતી પર યોજાતી કોઇપણ ચૂંટણી ભારતની ચૂંટણીની તોલે આવી શકે તેમ નથી.
ભારતની ચૂંટણીના વધુ આંકડા પર નજર નાખીએ તો દેશમાં નોધાયેલી 2600 રાજકીય પાર્ટીઓ આ ચૂંટણીમાં ભાગ લઇ રહી છે. ચૂંટણીઓ સંપન્ન કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1 કરોડ 50 લાખ કર્મચારીઓને નિયુક્ત કરાયાં છે. એક એક મત મહત્વનો હોવાથી દરેક મતદાર સરળતાથી મતદાન કરી શકે તે માટે 10 લાખ મતદાન મથકો ઊભા કરાયાં છે. ભારતમાં લોકસભાની ચૂંટણીના આયોજન પાછળ 10 બિલિયન પાઉન્ડ કરતાં વધુનો ખર્ચ થવાનો છે.
ભારતની લોકસભાની ચૂંટણીની કવાયત ભારતીય લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાની સાક્ષી પૂરે છે. હું આમ કહી શકું છું કારણ કે ધરતી પર ક્યાંય ભારતની ચૂંટણીની તોલે આવે તેવી ચૂંટણી યોજાતી નથી. પશ્ચિમના દેશોના ડાબેરી વિચારધારા ધરાવતા ઘણાએ ભારતીય ચૂંટણીઓને બદનામ કરવા કાગારોળ મચાવવાનું શરૂ કરી દીધું છે. ડાબેરીઓ, સમાજવાદીઓ, મુસ્લિમો અને ખાલિસ્તાનીઓનું તૃષ્ટિકરણ કરનારાઓ પીએમ મોદી અને ભાજપની સતત ત્રીજી ટર્મની સંભાવનાઓથી ભયભીત બની રહ્યાં છે. ભારતના દુશ્મનોએ છેલ્લા એક દાયકામાં વડાપ્રધાન મોદી અને ભારતને નુકસાન કરવાના ભરપૂર પ્રયાસો કર્યાં છે પરંતુ ભારતના મતદારો હવે વધુ સમજુ બની ગયાં હોવાથી તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયાં છે. તેઓ કોંગ્રેસ અને તેના સમગ્ર વિશ્વના ભારત વિરોધીઓના પ્રોપેગેન્ડા અને સમગ્ર દેશમાં સકારાત્મક વિકાસ દ્વારા બદલાવ લાવનાર ભાજપ વચ્ચેનો તફાવત સારી રીતે સમજી શકે છે.
વડાપ્રધાન મોદી કહે છે કે પ્રમાણે આ તમારો વિશ્વાસ અને સમર્થન છે જેના કારણે અમે જીએસટીના અમલ, આર્ટિકલ 370ની નાબૂદી, ટ્રીપલ તલાકનો નવો કાયદો, લોકસભામાં મહિલાઓની ભાગીદારી વધારતો નારી શક્તિ વંદન કાયદો, નવા સંસદ ભવનનું નિર્માણ, આતંકવાદ અને નકસલવાદ નાબૂદ કરવા માટેના પગલાં જેવા ઐતિહાસિક અને મોટા નિર્ણયો લઇ શક્યાં છે.
હું અહીં પીએમ મોદીએ કરેલા વિકાસ અને મેળવેલી સિદ્ધીઓના તમામ આંકડા રજૂ કરી શકું છે પરંતુ તેની જરૂર લાગતી નથી. 10 વર્ષના શાસન બાદ મને વિશ્વાસ છે કે ભારતની જનતા પીએમ મોદીને ત્રીજી ટર્મ માટે ચૂંટી કાઢશે. એટલું જ નહીં પરંતુ તેઓ પીએમ મોદીને ભારે બહુમતીથી વિજયી બનાવશે. એકતરફ વિશ્વમાં મોટાભાગની સરકારો ચૂંટણીમાં પરાજિત થઇ રહી છે ત્યારે પીએમ મોદીને મળતા મતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
વિશ્વભરના દેશોના નેતાઓ પીએમ મોદીની સામે વામણા પૂરવાર થઇ રહ્યાં છે. પીએમ મોદી કુદરતના પરિબળ કરતાં પણ વિશેષ છે. તેઓ આજે નવા ભારતની ઓળખ બની ગયાં છે. ભારતના આમ આદમી માટે ચેમ્પિયન.
જય હિન્દ


comments powered by Disqus