યુરોપમાં રશિયાનો વધતો પ્રભાવ ખાળવા માટે અમેરિકા, યુકે સહિત નાટોના સભ્યદેશો યુક્રેનને ખોબલે ને ખોબલે આર્થિક અને લશ્કરી સહાય કરી રહ્યાં છે તેમ છતાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો કોઇ અંત દેખાઇ રહ્યો નથી. રશિયા યુક્રેન પર કબજો મેળવી નાટો દેશોની સરહદોની લગોલગ આવી જાય તે અમેરિકા આણિ મંડળીને જરાપણ પોસાય તેમ નથી અને તેના કારણે જ યુક્રેનમાં નાટોની સહાયનો ધોધ વહી રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસે યુક્રેનને 61 બિલિયન ડોલરની સહાય મંજૂર કરી છે. યુકેએ પણ યુક્રેનને સહાય કરવામાં પાછી પાની કરી નથી તેમ છતાં યુકે સામેના પડકારો હજુ ઘટ્યાં નથી. વડાપ્રધાન રિશી સુનાક અત્યારે 3 મોરચે લડાઇ રહેલાં યુદ્ધોનો સામનો કરી રહ્યાં છે. આ યુદ્ધોની બ્રિટન પર આડકતરી અસરો પડી રહી છે ત્યારે રિશી સુનાકની કૂટનીતિની અગ્નિપરીક્ષા ચાલી રહી છે તેમ કહેવું અસ્થાને નહીં ગણાય. ઇઝરાયેલ અને હમાસ, રશિયા અને યુક્રેન અને હવે ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારાએ યુકેની કૂટનીતિને દાવ પર લગાવી દીધી છે. રશિયા સામેના યુક્રેનના યુદ્ધમાં બ્રિટન યુક્રેનનો પ્રબળ સમર્થક દેશ રહ્યો છે. યુક્રેનને આર્થિક અને લશ્કરી સહાય ઉપલબ્ધ કરાવતા દેશોમાં બ્રિટન અગ્રસ્થાને છે. બીજા મોરચા પર લાલ સમુદ્રમાં ઇરાન સમર્થિત હૂથી બળવાખોરોના હુમલાઓને ખાળવા બ્રિટિશ સેના કામે લાગેલી છે. હૂથી બળવાખોરોના હુમલા સીધી રીતે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સાથે સંકળાયેલાં છે. આમ રિશી સુનાકની સરકાર એકસાથે રશિયા, ઇરાન અને ચીન દ્વારા ઊભા થતા પડકારોનો સામનો કરી રહી છે. હાલમાં યુકેની આર્થિક સ્થિતિ સારી નથી અને વિશ્વમાં સર્જાઇ રહેલા લશ્કરી પડકારોની સામે દેશને અનેક મોરચા પર લડત આપવાની છે. આ તમામ યુદ્ધોની બ્રિટનમાં ઘરઆંગણે અસરો પડી રહી છે. ઇરાન વિરોધી પત્રકાર પર હુમલો હોય કે પેલેસ્ટાઇનના સમર્થનમાં ઇઝરાયેલ વિરોધી દેખાવો, સરકાર માટે માથાનો દુખાવો બની રહે છે. આવી સ્થિતિમાં બ્રિટન અને સુનાક સરકારે એકહથ્થુ સરમુખત્યારી શાસન ધરાવતા દેશો સામે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવી પડશે. આ દેશો સામે મક્કમ પગલાંની સાથે યુકેની આર્થિક અને લશ્કરી સ્થિતિ પણ મજબૂત બનાવવી પડશે.